ઉત્પ 1

1
બ્રહ્માંડની રચના
1પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. 2પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા#1:2 સામર્થ્ય અથવા ઈશ્વર તરફથી પવન પાણી પર ફરતો હતો.
3ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું. 4ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. 5ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ#1:5 પ્રથમ દિવસ યહૂદી લોકો સાંજથી બીજા દિવસ સાંજ સુધી એક દિવસ માનતા હતા..
6ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.” 7ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું. 8ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
9ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું. 10ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.
11ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું. 12ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 13સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
14ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ. 15પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
16ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા. 17ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને, 18દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 19સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
20ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.” 21ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
22ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.” 23સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.
24ઈશ્વરે કહ્યું કે, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયું. 25ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, ગ્રામ્યપશુઓ, અને પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
26ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.” 27ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
28ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” 29ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
30“પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું. 31ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.

Terpilih Sekarang Ini:

ઉત્પ 1: IRVGuj

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk