યોહાન 9
9
જન્મથી આંધળો દેખતો થયો
1તે રસ્તે જતા હતા એવામાં તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો. 2તેમના શિષ્યોએ તેમને પૂછયું, “રાબ્બી, જે પાપને લીધે એ માણસ આંધળો જનમ્યો, તે [પાપ] કોણે કર્યું? એણે કે એનાં માતાપિતાએ?” 3ઈસુએ ઉત્તર આપ્યો, “એણે કે એનાં માતાપિતાએ પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે [એમ થયું]. 4જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનાં કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. 5જ્યારે હું જગતમાં છું ત્યારે #માથ. ૫:૧૪; યોહ. ૮:૧૨. હું જગતનો પ્રકાશ છું.” 6એમ કહીને તે જમીન પર થૂંક્યા, અને તે થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તે [આંધળા] ની આંખો પર ચોપડયો. 7અને તેને કહ્યું કે, તું જઈને શિલોઆહ [અર્થાત મોકલેલા] ના કુંડમાં ધો.” ત્યારે તે ગયો, અને ધોઈને દેખતો થઈને [ઘેર] આવ્યો. 8તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું, “જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?” 9કેટલાકે કહ્યું, “ [હા,] એ તે જ છે.” બીજાઓએ કહ્યું, “ના, પણ તે તેના જેવો છે.” તેણે પોતે કહ્યું. “હું તે જ છું.” 10તેથી તેઓએ તેને પૂછયું, “ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી ગઈ?” 11તેણે ક્હ્યું, “જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ કર્યો, અને મારી આંખો પર ચોપડીને મને કહ્યું કે, તું શિલોઆહ [ના કુંડ] માં જઈને ધો; માટે હું ગયો અને ધોઈને દેખતો થયો.” 12ત્યારે તેઓએ તેને પૂછયું, “તે ક્યાં છે?” તેણે કહ્યું, હું જાણતો નથી.”
આ ચમત્કાર વિષે ફરોશીઓએ કરેલી તપાસ
13જે અગાઉ આંધળો હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લઈ આવ્યા. 14હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસે વિશ્રામવાર હતો. 15તે માટે ફરોશીઓએ પણ ફરીથી તેને પૂછયું, “તું શી રીતે દેખતો થયો?” તેણે તેઓને કહ્યું, “તેણે મારી આંખો પર કાદવ ચોપડયો, અને હું ધોઈને દેખતો થયો છું.”
16તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું, “તે માણસ ઈશ્વરની પાસેથી [આવ્યો] નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી.” પણ બીજાઓએ કહ્યું, “પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે?” એમ તેઓમાં બે પક્ષ પડયા.
17તેથી તેઓ ફરીથી તે આંધળાને પૂછે છે, “તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?” ત્યારે તેણે કહ્યું, “તે પ્રબોધક છે.” 18પણ યહૂદીઓએ તે દેખતાં થયેલાનાં માતાપિતાને તેડાવ્યાં ત્યાં સુધી તે આંધળો હતો, અને દેખતો થયો છે એમ તેઓએ માન્યું નહિ. 19તેઓએ તેમને પૂછયું, “શું એ તમારો દીકરો છે કે, જેને વિષે તમે કહો છો કે, એ જન્મથી આંધળો હતો? તો હવે એ શી રીતે દેખતો થયો છે?”
20તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો, “એ અમારો દીકરો છે, અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ. 21પણ હમણાં એ શી રીતે દેખતો થયો છે, તે અમે જાણતાં નથી, તેમ જ એની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતાં નથી. એ પુખ્ત ઉંમરનો છે. એને પૂછો, એ પોતે કહેશે.” 22તેનાં માતપિતા યહૂદીઓથી બીતાં હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23તે માટે તેનાં માતાપિતાએ કહ્યું હતું, “એ પુખ્ત ઉંમરનો છે; એને પોતાને પૂછો.” 24તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”
25ત્યારે તેણે ઉત્તર આપ્યો, “તે પાપી છે કે નહિ, એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું.” 26ત્યારે તેઓએ તેને પૂછયું, “તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?” 27તેણે તેઓને ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો?”
28ત્યારે તેઓએ તેની નિંદા કરીને કહ્યું, “તું તેનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ. 29ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, એ અમે જાણીએ છીએ. પણ એ માણસ ક્યાંનો છે, તે અમે જાણતા નથી.” 30તે માણસે ઉત્તર આપ્યો, “એ તો અજાયબ જેવું છે કે, તેણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનો છે, એ તમે જાણતા નથી. 31આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે. 32જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. 33જો એ માણસ ઈશ્વરની પાસેથી આવ્યો ન હોત, તો તે કંઈ પણ કરી શક્ત નહિ.” 34તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.
આત્મિક અંધાપો
35તેઓએ તેને કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધી કાઢીને પૂછયું, “શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે?” 36તેણે ઉત્તર આપ્યો, “હે પ્રભુ, તે કોણ છે કે હું તેમના પર વિશ્વાસ કરું?” 37ઈસુએ તેને કહ્યું, “તેં તેમને જોયા છે, અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.” 38તેણે કહ્યું, “પ્રભુ, હું વિશ્વાસ કરું છું.” પછી તેણે તેમનું ભજન કર્યું. 39ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.” 40જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ એ વાતો સાંભળીને તેમને પૂછયું, “તો શું અમે પણ આંધળા છીએ?” 41ઈસુએ તેઓને કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ, ’ માટે તમારું પાપ કાયમ રહે છે.”
अहिले सेलेक्ट गरिएको:
યોહાન 9: GUJOVBSI
हाइलाइट
शेयर गर्नुहोस्
कपी गर्नुहोस्
तपाईंका हाइलाइटहरू तपाईंका सबै यन्त्रहरूमा सुरक्षित गर्न चाहनुहुन्छ? साइन अप वा साइन इन गर्नुहोस्
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.