ઉત્પત્તિ 2
2
1અને આકાશ તથા પૃથ્વી, અને તેઓનાં સર્વ સૈન્ય પૂરાં થયાં. 2અને #હિબ. ૪:૪,૧૦. ઈશ્વરે પોતાનું જે કામ કર્યું હતું તે તેમણે સાતમે દિવસે પૂરું કર્યું. અને પોતાનાં કરલાં સર્વ કામોથી #નિ. ૨૦:૧૧. તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યા. 3અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાનાં બધાં ઉત્પન્ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યા. 4આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ-વર્ણન એ છે.
એદન બાગ
જે દિવસોમાં યહોવા ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા, ત્યારે 5ખેતરનો કોઈપણ છોડવો હજુ પૃથ્વીમાં ઊગ્યો નહોતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઊગ્યું નહોતું; કેમ કે યહોવા ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો, ને જમીન ખેડવાને કોઇ માણસ ન હતું. 6પણ પૃથ્વી પરથી ધૂમરે ચઢીને જમીનની આખી સપાટી ભીંજવી. 7અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને #૧ કોરીં. ૧૫:૪૫. માણસ સજીવ પ્રાણી થયું. 8અને યહોવા ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી; અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. 9અને યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં છે તેઓને, ને વળી વાડીની વચમાં #પ્રક. ૨:૭; ૨૨:૨,૧૪. જીવનનું વૃક્ષ, તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં. 10અને વાડીને પાણી પાવા માટે એક નદી એદનમાંથી નીકળી; અને ત્યાંથી તેના ચાર ફાંટા થયા. 11પહેલીનું નામ પીશોન, તે આખા હવીલા દેશને ઘેરે છે, જયાં સોનું છે. 12અને તે દેશનું સોનું સારું, ને ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ છે. 13બીજી નદીનું નામ ગીહોન, તે આખા કૂશ દેશને ઘેરે છે. 14અને ત્રીજી નદીનું નામ હીદેકેલ, તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે, 15અને એદન વાડી ખેડવાને, તથા તેનું રક્ષણ કરવાને, યહોવા ઈશ્વરે તે માણસને તેમાં રાખ્યો. 16અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર. 17પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.”
18અને યહોવા ઈશ્વરે કહ્યું, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.” 19અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવર ને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. 20અને તે માણસે સર્વ ગ્રામ્યપશુઓનાં, તથા આકાશનાં પક્ષીઓનાં, તથા સર્વ વનપશુઓનાં નામ પાડયાં. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહિ. 21અને યહોવા ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો; અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેમણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. 22અને યહોવા ઈશ્વરે જે પાંસળી માણસમાંથી લીધી હતી, તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યા.
23અને તે માણસે કહ્યું,
“આ મારાં હાડકાંમાંનું હાડકું
ને મારા માંસમાંનું માંસ છે;
તે નારી કહેવાશે,
કેમ કે તે નરમાંથી લીધેલી છે.”
24 #
માથ. ૧૯:૫; માર્ક ૧૦:૭-૮; ૧ કોરીં. ૬:૧૬; એફે. ૫:૩૧. એ માટે માણસ પોતાનાં માતપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે. 25અને તે માણસ તથા તેની પત્ની બન્ને નગ્ન હતાં, પણ તેઓ લાજતાં ન હતાં.
Markert nå:
ઉત્પત્તિ 2: GUJOVBSI
Marker
Del
Kopier
Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.