Logoja YouVersion
Ikona e kërkimit

ઉત્પત્તિ 25

25
અબ્રાહામના અન્ય વંશજો
(૧ કાળ. 1:32-33)
1અબ્રાહામે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં; તે સ્ત્રીનું નામ કટૂરા હતું. 2તેને પેટે અબ્રાહામને આ પુત્રો થયા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશલાક અને શૂઆહ. 3યોકશાનના બે પુત્રો હતા: શબા અને દદાન. દદાનના પુત્રો: આશૂરીમ, લટુશીમ, લઉસીમ. 4મિદ્યાનના પુત્રોનાં નામ આ છે: એફા, એફેર, હનોખ, અબીદા અને એલ્દા. એ બધા કટૂરાના વંશજો હતા.
5અબ્રાહામે પોતાની બધી સંપત્તિ ઇસ્હાકને આપી; 6પણ પોતાની ઉપપત્નીઓના પુત્રોને તો તેણે બક્ષિસો આપીને પોતે જીવતો હતો તે જ દરમ્યાન ઇસ્હાકથી દૂર પૂર્વપ્રદેશમાં મોકલી દીધા.
અબ્રાહામનું અવસાન અને દફન
7અબ્રાહામનું આયુષ્ય એકંદરે એક્સો પંચોતેર વર્ષનું હતું. 8તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો. 9તેના પુત્રો ઇસ્હાક અને ઇશ્માએલે તેને મામરેની પૂર્વમાં આવેલા સોહાર હિત્તીના પુત્ર એફ્રોનના ખેતરમાં આવેલી માખ્પેલાની ગુફામાં દફનાવ્યો. 10એ ખેતર અબ્રાહામે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું. તેમાં અબ્રાહામને તેની પત્ની સારા પાસે દફનાવવામાં આવ્યો.#ઉત. 23:3-16. 11અબ્રાહામના મૃત્યુ પછી ઈશ્વરે તેના પુત્ર ઇસ્હાકને આશિષ આપી અને ઇસ્હાક બેર-લાહાય-રોઈ પાસે રહેવા લાગ્યો.
ઇશ્માએલના વંશજો
(૧ કાળ. 1:28-31)
12અબ્રાહામને સારાની ઇજિપ્તી દાસી હાગારથી થયેલા પુત્ર ઇસ્માએલના વંશજો આ પ્રમાણે છે: 13ઇશ્માએલના પુત્રોનાં નામ વયાનુક્રમે આ પ્રમાણે છે: જયેષ્ઠ પુત્ર નબાયોથ, પછી કેદાર, આદબએલ, મિબ્સામ, 14મિશ્મા, દુમા, માસ્સા, 15હદાદ, તેમા, યટુર, નાફીશ, કેદમા. 16એ ઇશ્માએલના પુત્રો છે. એમનાં નામ પરથી એમનાં નગરો અને મુકામોનાં નામ પડયાં છે. એ બારે જણ પોતપોતાના કુળના પ્રથમ પૂર્વજો હતા. 17ઇશ્માએલ એક્સો સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો. 18ઇશ્માએલના વંશજો આશ્શૂર જવાને રસ્તે ઇજિપ્તની પૂર્વ દિશામાં હવીલાથી શૂરની વચ્ચેના પ્રદેશમાં તેમના અન્ય ભાઈઓથી જુદા વસ્યા હતા.
એસાવ અને યાકોબનો જન્મ
19અબ્રાહામના પુત્ર ઇસ્હાકની વંશાવળી આ પ્રમાણે છે: અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો. 20ઇસ્હાકે 40 વર્ષની ઉંમરે મેસોપોટેમિયાના અરામી બથુએલની પુત્રી અને અરામી લાબાનની બહેન રિબકા સાથે લગ્ન કર્યાં. 21તેની પત્ની વંધ્યા હતી. તેથી તેણે તેને માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તે માન્ય કરી. રિબકા ગર્ભવતી થઈ. 22તેના પેટમાં બાળકોએ બાઝાબાઝ કરી. તેથી તે બોલી, “જો એમ જ હોય, તો મારા જીવવાનો શો અર્થ?” તે પ્રભુને પૂછવા ગઈ 23તો પ્રભુએ તેને કહ્યું,
“તારા પેટમાં બે પ્રજાઓ છે;
જન્મથી જ પરસ્પર વિરોધી એવી
બે પ્રજાઓ છે.
એક પ્રજા બીજી કરતાં વધારે
બળવાન બનશે
અને મોટો નાનાનો દાસ થશે.”#રોમ. 9:12.
24જ્યારે તેનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો તો જુઓ તેના પેટમાં જોડકાં બાળકો હતાં. 25પહેલો જન્મ્યો તે લાલ હતો. તેને આખા શરીરે વાળ હતા, જાણે રુંવાટીવાળું કપડું ન હોય! તેથી તેમણે તેનું નામ એસાવ (વાળવાળો)#25:25 ‘એસાવ’: આ નામ સેઈર પર્વતને અનુલકાષીને છે. સેઈર પર્વતના ઉચ્ચપ્રદેશમાં પાછળથી એસાવના વંશજો વસ્યા હતા. ‘સેઈર’ અને હિબ્રૂમાં ‘વાળવાળા’ શબ્દોમાં સમાનતા છે. પાડયું. 26ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી પકડીને નીકળ્યો. તેનું નામ તેમણે યાકોબ (અર્થાત્ એડી પકડનાર)#25:26 ‘યાકોબ’: આ શબ્દ અને ‘એડી’ શબ્દ હિબ્રૂમાં સમાન લાગે છે. પાડયું. તેઓ જન્મ્યા ત્યારે ઇસ્હાક 60 વર્ષનો હતો. 27છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વનવગડામાં ફરતા રહેવાનું ગમતું; જ્યારે યાકોબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો. 28ઇસ્હાક એસાવ પર પ્રેમ રાખતો હતો; કારણ, એસાવ જે શિકાર લાવે તેમાંથી તે ખાતો હતો. પણ રિબકા યાકોબ પર પ્રેમ રાખતી હતી.
એસાવ જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક વેચે છે
29એકવાર યાકોબ શાક રાંધતો હતો. એવામાં એસાવ વનવગડામાંથી આવ્યો. તે ખૂબ ભૂખ્યો થયો હતો. 30એસાવે યાકોબને કહ્યું, “મને આ લાલ શાકમાંથી થોડું ખાવા દે. મને કકડીને ભૂખ લાગી છે.” તેથી તેનું નામ અદોમ (લાલ)પણ પડયું. 31યાકોબે કહ્યું, “પહેલાં તું મને તારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક વેચાતો આપ.” 32એસાવે કહ્યું, “હું મરવા પડયો છું. જયેષ્ઠપુત્ર તરીકેનો એ મારો હક્ક મને શા કામમાં આવવાનો છે?” 33યાકોબે કહ્યું, “તું પહેલાં મારી આગળ સોગંદ ખા.” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા અને જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક યાકોબને વેચી દીધો.#હિબ્રૂ. 12:16. 34પછી યાકોબે એસાવને રોટલી અને મસુરની લાલ દાળ આપ્યાં. એસાવ ખાઈપીને ઊઠયો અને પોતાને રસ્તે પડયો. આમ, એસાવે જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક તુચ્છ ગણ્યો.

Aktualisht i përzgjedhur:

ઉત્પત્તિ 25: GUJCL-BSI

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr