Logoja YouVersion
Ikona e kërkimit

ઉત્પત્તિ 26

26
ઇસ્હાકનો પ્રવાસ
1હવે એવું બન્યું કે અબ્રાહામના સમયમાં પહેલાં પડયો હતો તે ઉપરાંત એ દેશમાં બીજો દુકાળ પડયો અને ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબિમેલેખ પાસે ગેરારમાં ગયો. 2પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “તું ઇજિપ્તમાં જઈશ નહિ, પણ આ દેશમાં હું તને કહું ત્યાં જ રહેજે. 3તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ.#ઉત. 22:16-18. 4હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે. 5કારણ, અબ્રાહામ મારી આજ્ઞાને આધીન થયો હતો અને તેણે મારા આદેશો, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ અને મારા નિયમો પાળ્યાં છે.”
6આમ, ઇસ્હાક ગેરારમાં રહેવા લાગ્યો. 7ત્યાંના લોકોએ તેને તેની પત્ની વિશે પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, ‘એ મારી બહેન છે.’ ‘રિબકા મારી પત્ની છે એવું કહીશ તો અહીંના લોકો મને મારી નાખશે’ એવી તેને દહેશત હતી. કારણ, તે ઘણી સુંદર હતી.#ઉત. 12:13; 20:2. 8તેઓ ત્યાં આગળ ઘણા દિવસ રહ્યા પછી એવું બન્યું કે પલિસ્તીઓના રાજા અબિમેલેખે બારીમાંથી જોયું તો ઇસ્હાક રિબકાને લાડ લડાવતો હતો. 9તેથી તેણે ઇસ્હાકને બોલાવીને કહ્યું, “અરે, એ તો તારી પત્ની છે! તો પછી તેં એમ કેમ કહ્યું કે એ મારી બહેન છે?” ઇસ્હાકે કહ્યું, “મેં એવું વિચાર્યું કે એમ કહેવાથી મારે માર્યા જવું પડશે.” 10અબિમેલેખે કહ્યું, “તેં અમને આ શું કર્યું? મારા લોકમાંથી કોઈ તારી સ્ત્રી સાથે સહેજે સૂઈ જાત અને એમ તું અમારા પર દોષ લાવત.” 11પછી અબિમેલેખે સર્વ લોકોને તાકીદ કરી: “આ માણસ કે તેની સ્ત્રીને જે કોઈ કનડગત કરશે તેને નિશ્ર્વે મારી નાખવામાં આવશે.”
12ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી. 13તે સંપત્તિવાન બન્યો અને તેની સંપત્તિ વધતી જ ગઈ અને તે ખૂબ ધનવાન બની ગયો. 14તેની પાસે એટલાં બધાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને નોકરચાકર થયાં કે પલિસ્તીઓ તેની ઈર્ષ્યા કરવા લાગ્યા. 15તેના પિતા અબ્રાહામના સમયમાં અબ્રાહામના નોકરોએ ખોદેલા બધા કૂવા પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા. 16અબિમેલેખે ઇસ્હાકને કહ્યું, “તું અમારાથી દૂર ચાલ્યો જા. કારણ, તું અમારા કરતાં વધુ બળવાન થઈ ગયો છે.” 17આથી ઇસ્હાક ત્યાંથી નીકળી ગયો અને તેણે ગેરારના ખીણપ્રદેશમાં મુકામ કર્યો.
18ઈસ્હાકે પોતાના પિતા અબ્રાહામના વખતમાં ખોદાયેલા કૂવા ફરી ખોદી કાઢયા; કારણ, અબ્રાહામના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે પૂરી દીધા હતા. વળી, તે કૂવાઓનાં જે નામ ઇસ્હાકના પિતાએ પાડયાં હતાં તે જ નામ ઇસ્હાકે પણ પાડયાં. 19ઇસ્હાકના નોકરોને એ ખીણપ્રદેશમાં ખોદતાં ખોદતાં પાણીનો એક ઝરો મળી આવ્યો. 20ત્યારે ગેરારના પ્રદેશના ગોવાળિયાઓએ ઇસ્હાકના ગોવાળિયાઓ સાથે ઝઘડો કરીને કહ્યું, “આ પાણી તો અમારું છે.” આથી તેણે તે કૂવાનું નામ એસેક (ઝઘડો) પાડયું. કારણ, તે લોકોએ એની સાથે ઝઘડો કર્યો હતો. 21પછી તેના માણસોએ બીજો કૂવો ખોદ્યો, ને તે વિષે પણ તેમણે ઝઘડો કર્યો. આથી તેણે તેનું નામ સિટના (દુશ્મનાવટ )પાડયું. 22પછી તેણે ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોદ્યો ત્યારે તેને માટે તેમણે ઝઘડો ન કર્યો એટલે તેણે તેનું નામ રહોબોથ (વિશાળ જગ્યા)પાડયું, અને કહ્યું, “પ્રભુએ અમને વિશાળ જગ્યા આપી છે અને આ પ્રદેશમાં અમને સફળતા મળશે.”
23પછી ઇસ્હાક ત્યાંથી બેરશેબા ગયો. 24તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.” 25તેથી ઇસ્હાકે ત્યાં યજ્ઞવેદી બાંધી અને પ્રભુને નામે તેમનું ભજન કર્યું. ત્યાં તેણે પોતાનો તંબુ માર્યો. ઇસ્હાકના માણસોએ ત્યાં એક કૂવો પણ ખોદ્યો.
26પછી અબિમેલેખ પોતાના એક મિત્ર અહૂઝાથ અને સેનાપતિ ફિકોલને લઈને ગેરારથી ઇસ્હાકને મળવા ગયો. 27ઇસ્હાકે તેમને કહ્યું, “તમે તો મને ધિક્કારો છો અને તમારે ત્યાંથી મને કાઢી મૂક્યો છે, તો તમે મારી પાસે શા માટે આવ્યા છો?” 28તેમણે કહ્યું, “અમને ખાતરી થઈ છે કે પ્રભુ તમારી સાથે છે એટલે અમે વિચાર્યું કે આપણે સોગંદ ખાઈને એકબીજા વચ્ચે કરાર કરીએ કે 29જેમ અમે તમને કંઈ નુક્સાન કર્યું નથી અને માત્ર તમારું ભલું જ કર્યું છે અને તમને સહીસલામત રીતે વિદાય કર્યા છે તેમ તમે પણ અમને કંઈ નુક્સાન કરશો નહિ. તમે તો પ્રભુથી આશિષ પામેલા છો.” 30પછી ઇસ્હાકે તેમને માટે જમણ કર્યું અને તેમણે ખાધુંપીધું. 31સવારમાં વહેલા ઊઠીને તેમણે એકબીજા સાથે સોગંદ લીધા અને તે પછી ઇસ્હાકે તેમને વિદાય કર્યા. આમ, તેઓ મૈત્રીભાવે જુદા પડયા.
32તે જ દિવસે ઇસ્હાકના નોકરોએ આવીને પોતે ખોદેલા કૂવા સંબંધી તેને વાત કરીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.” 33ઇસ્હાકે તે કૂવાનું નામ શેબા પાડયું. તેથી આજ સુધી એ નગરનું નામ બેરશેબા (અર્થાત્ સમનો કે સાતનો કૂવો)#26:33 ‘બેરશેબા’: હિબ્રૂ ભાષામાં આનો અર્થ ‘સમનો કે માનતાનો કૂવો’ અથવા ‘સાત કૂવા’ થાય છે. કહેવાય છે.#ઉત. 21:22.
34એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બએરીની પુત્રી યહૂદીથ તથા હિત્તી એલોનની પુત્રી બાસમાથ સાથે લગ્ન કર્યાં. 35તેમણે ઇસ્હાક અને રિબકાનું જીવન દુ:ખમય બનાવી દીધું.

Aktualisht i përzgjedhur:

ઉત્પત્તિ 26: GUJCL-BSI

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr