YouVersion logo
Dugme za pretraživanje

લૂક 15

15
ખોવાયેલું ઘેટું
(માથ. ૧૮:૧૨-૧૪)
1હવે #લૂ. ૫:૨૯-૩૦. તેમનું સાંભળવા માટે બધા જકાતદારો તથા પાપીઓ તેમની પાસે આવતા હતા. 2ફરોશીઓએ તથા શાસ્‍ત્રીઓએ બન્‍નેએ કચકચ કરીને કહ્યું, “આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ખાય છે.”
3તેમણે તેઓને આ દ્દષ્ટાંત કહ્યું, 4“તમારામાં એવું ક્યું માણસ હોય કે, જો તેને સો ઘેટાં હોય, અને તેઓમાંનું એક ઘેટું ખોવાયું હોય, તો પેલાં નવ્વાણુંને અરણ્યમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહિ જાય? 5અને તે મળે છે, ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંધ પર ચઢાવે છે. 6તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે.’ 7હું તમને કહું છું કે, એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.
ખોવાયેલો સિક્કો
8અથવા કઈ સ્‍ત્રી એવી હોય કે જો તેની પાસે દશ અધેલી હોય, અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય, તો તે દીવો કરીને ઘર નહિ વાળે, અને મળે ત્યાં સુધી તેની શોધ સારી પેઠે નહિ કરે? 9તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોશણોને બોલાવીને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને મળી છે.’ 10હું તમને કહું છું કે તેમ જ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.”
ખોવાયેલો દીકરો
11વળી તેમણે કહ્યું, “એક માણસને બે દીકરા હતા; 12તેઓમાંના નાનાએ પિતાને કહ્યું, ‘પિતાજી, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપો.’ તેથી તેણે તેઓને પોતાની મિલકત વહેંચી આપી. 13થોડા દિવસ પછી નાનો દીકરો બધું એકઠું કરીને દૂર દેશમાં ગયો. અને ત્યાં મોજમઝામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. 14તેણે બધું ખરચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. 15તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો. 16જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે [શિંગો] થી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહિ. 17તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે, અને હું તો અહીં ભૂખે મરું છું! 18હું અહીંથી ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે; 19હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. તમારા મજૂરોમાંના એકના જેવો મને ગણો.’
20પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો. અને તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, અને તેને દયા આવી, અને દોડીને તેને ભેટ્યો, અને તેને ચૂમીઓ કરી. 21દીકરાએ તેને કહ્યું કે, ‘પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે; હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.’ 22પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો. 23અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે, આપણે ખાઈને આનંદ કરીએ. 24કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.
25હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. 26તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું, ‘આ શું છે?’ 27તેણે તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો આવ્યો છે તેથી તમારા પિતાએ પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો આવી મળ્યો છે.’ 28પણ તે ગુસ્સે થયો, અને અંદર જવાને રાજી નહોતો. તેથી તેના પિતાએ બહાર આવીને તેને આજીજી કરી. 29પણ તેણે પિતાને કહ્યું, ‘આટલા બધાં વરસથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી! તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા માટે તમે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી. 30પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’ 31તેણે તેને કહ્યું, “દીકરા, તું નિત્ય મારી સાથે છે, અને મારું બધું તારું જ છે! 32તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”

Trenutno izabrano:

લૂક 15: GUJOVBSI

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi