ઉત્પત્તિ 17
17
કરારની નિશાની: સુન્નત
1અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર. 2હું મારી અને તારી વચ્ચે મારો કરાર સ્થાપીશ, ને તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.” 3અબ્રામે ભૂમિ પર માથું ટેકવીને પ્રભુને પ્રણામ કર્યા. ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે આ કરાર કરું છું: તું ઘણી પ્રજાઓનો પૂર્વજ થશે. 4-5હવેથી તારું નામ અબ્રામ [અર્થાત્ ઉન્નતિ પામેલ પિતા]#17:4-5 ‘અબ્રાહામ’: હિબ્રૂ ભાષામાં ‘ઘણી પ્રજાઓનો પૂર્વજ’ અને ‘અબ્રાહામ’ શબ્દોમાં સમાનતા છે. નહિ, પણ અબ્રાહામ [ઘણાનો પિતા] કહેવાશે. કારણ, મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે.#રોમ. 4:17. 6હું તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ. 7હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.#લૂક. 1:55. 8જે દેશમાં તું પરદેશી તરીકે વસે છે, તે આખો કનાન દેશ હું તને અને તારા વંશજોને કાયમને માટે વતન તરીકે આપીશ અને હું તેમનો ઈશ્વર થઈશ.”#પ્રે.કા. 7:5.
9પછી તેણે અબ્રાહામને કહ્યું, “તું અને તારા વંશજો પેઢી દર પેઢી મારો કરાર પાળો. 10તારી સાથે અને તારા વંશજો સાથેનો મારો જે કરાર તમારે પાળવાનો છે તે એ છે કે તમારે તમારામાંના પ્રત્યેક પુરુષની સુન્નત કરાવવી.#પ્રે.કા. 7:8; રોમ. 4:11. 11એટલે, તમારે તમારી જનનેદ્રિંયની ચામડીની સુન્નત કરાવવી. એ મારી અને તારી વચ્ચેના કરારની નિશાની થશે. 12તમારે તમારી બધી પેઢીઓમાં આઠ દિવસની ઉંમરના પ્રત્યેક છોકરાની સુન્નત કરાવવી; પછી તે તમારા ઘરમાં જન્મ્યો હોય કે કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો હોય. 13તમારે તમારા ઘરમાં જન્મેલા ગુલામની અથવા પૈસાથી ખરીદેલા ગુલામની પણ સુન્નત કરાવવી. તમારા શરીરમાંની એ નિશાની તમારી સાથેનો મારો સાર્વકાલિક કરાર સૂચવશે. 14તમારામાંથી જે પુરુષે સુન્નત કરાવી ન હોય તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરવો; કારણ, તેણે મારો કરાર તોડયો છે.”
15વળી, ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તું હવે તારી પત્નીને ‘સારાય’ નામથી સંબોધીશ નહિ, પણ તેનું નામ ‘સારા’#17:15 ‘સારા’: હિબ્રૂ ભાષામાં ‘રાજકુંવરી’ રાખ. 16હું તેને આશિષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશિષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે; તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે.” 17ત્યારે અબ્રાહામે ભૂમિ સુધી માથું નમાવીને પ્રભુને પ્રણામ કર્યા. તે હસ્યો અને મનમાં બોલ્યો, “શું સો વર્ષના માણસને પુત્ર થશે? નેવું વર્ષની વયે શું સારા બાળકને જન્મ આપશે?” 18અબ્રાહામે ઈશ્વરને કહ્યું, “અરે, તમારી કૃપામાં માત્ર ઇશ્માએલ જીવતો રહે તો ય બસ!” 19ત્યારે ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જનમશે; તારે તેનું નામ ઈસ્હાક#17:19 ‘ઇસ્હાક’: હિબ્રૂ ભાષામાં: તે હસે છે. [અર્થાત્ તે હસે છે] પાડવું. હું તેની સાથે કરાર કરીશ. એ કરાર તેના વંશજોને માટે કાયમનો કરાર થશે. 20ઇશ્માએલ વિષે પણ મેં તારી અરજ સાંભળી છે. જો, હું તેને આશિષ આપીશ, તેની વંશવૃદ્ધિ કરીશ અને તેના વંશજોની સંખ્યા ઘણી વધારીશ. તે બાર કુળના પ્રથમ પૂર્વજોનો પિતા થશે અને તેનાથી હું એક મોટી પ્રજા ઊભી કરીશ. 21પરંતુ આવતે વર્ષે નિયત સમયે સારા તારે માટે ઇસ્હાકને જન્મ આપશે. હું તેની સાથે મારો કરાર સ્થાપીશ.” 22અબ્રાહામ સાથે વાત પૂરી કરીને ઈશ્વર તેની પાસેથી ગયા.
23ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે અબ્રાહામે તે જ દિવસે પોતાના ઘરના પ્રત્યેક પુરુષની એટલે, પોતાના પુત્ર ઇશ્માએલની તથા પોતાના ઘરમાં જન્મેલા કે પૈસાથી ખરીદેલા બધા ગુલામોની સુન્નત કરાવી. 24અબ્રાહામની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવ્વાણું વર્ષનો હતો. 25તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો. 26એક જ દિવસે અબ્રાહામ અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી. 27તેના ઘરમાં જન્મેલા તથા પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલા ગુલામોની સુન્નત પણ અબ્રાહામની સાથે જ કરવામાં આવી.
Trenutno izabrano:
ઉત્પત્તિ 17: GUJCL-BSI
Istaknuto
Podijeli
Kopiraj

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide