લૂક 13

13
પાપથી ફરો યા મરો
1બરાબર એ જ સમયે કેટલાક માણસોએ ઈસુને કહ્યું કે ગાલીલીઓ ઈશ્વરને બલિદાન ચડાવી રહ્યા હતા ત્યારે જ પિલાતે તેમની ક્તલ કરી. 2ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ ગાલીલીઓને એ રીતે મારી નાખવામાં આવ્યા, તેથી તમે એમ માનો છો કે તેઓ બીજા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા? 3ના, હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો. 4શિલોઆમમાં પેલા અઢાર માણસો પર બુરજ તૂટી પડયો હતો, એમનું શું? યરુશાલેમમાં રહેતા અન્ય માણસો કરતાં તેઓ વધારે પાપી હતા એમ તમે માનો છો? 5ના! હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.”
નિષ્ફળ અંજીરીનું ઉદાહરણ
6પછી ઈસુએ તેમને આ ઉદાહરણ કહી સંભળાવ્યું, “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરી હતી. તે આવીને તેના પરથી અંજીરની શોધ કરતો હતો, 7પણ તેને એકેય અંજીર મળ્યું નહિ. તેથી તેણે પોતાના માળીને કહ્યું, ‘જો, આ અંજીરી પરથી છેલ્લાં ત્રણ વર્ષથી હું અંજીરની શોધ કર્યા કરું છું, પણ મને એકેય અંજીર મળ્યું નથી. એને કાપી નાખ! 8તેને માટે જમીન શું ક્મ નક્મી રોકવી?’ પણ માળીએ જવાબ આપ્યો, ‘સાહેબ, એને આટલું વર્ષ રહેવા દો, હું તેની આસપાસ ખાડો ખોદીશ અને એમાં ખાતર નાખીશ. 9પછી જો તેને આવતે વર્ષે અંજીર લાગે તો તો સારું; અને જો એમ ન થાય, તો તમે એને કાપી નંખાવજો.”
વિશ્રામવારે દયા કરાય?
10વિશ્રામવારે ઈસુ એક ભજનસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ત્યાં એક સ્ત્રી હતી, જેને દુષ્ટાત્મા વળગેલો હતો. 11તેથી તે અઢાર વર્ષથી બીમાર હતી; તે વાંકી વળી ગઈ હતી, અને ટટ્ટાર થઈ શક્તી ન હતી. 12ઈસુએ તેને જોઈને બોલાવીને કહ્યું, “બહેન, તારી બીમારીમાંથી તું મુક્ત થઈ છે.” 13તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત જ તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી.
14ઈસુએ તેને વિશ્રામવારે સાજી કરી તેથી ભજનસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ આપણે ક્મ કરવું જોઈએ, તેથી એ દિવસોમાં આવીને સાજા થાઓ, વિશ્રામવારે નહિ.”
15ઈસુએ તેને જવાબ આપ્યો, “ઓ દંભીઓ! તમે બધા પોતાનો બળદ અથવા ગધેડું ગભાણમાંથી છોડીને તેને પાણી પીવડાવવા વિશ્રામવારે લઈ જતા નથી? 16અહીં આ પણ અબ્રાહામની પુત્રી છે અને શેતાને તેને અઢાર વર્ષથી બાંધી રાખી હતી. તો વિશ્રામવારે તેને બંધનમુક્ત કરવી કે નહિ?” 17તેમના જવાબોથી તેમના શત્રુઓ શરમિંદા થઈ ગયા, જ્યારે બધા લોકો ઈસુનાં અદ્‍ભુત કાર્યો પર ખુશ થઈ ગયા.
રાઈના બીનું ઉદાહરણ
(માથ. 13:31-32; માર્ક. 4:30-32)
18પછી ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ શાના જેવું છે? એને હું શાની સાથે સરખાવું? 19એ તો રાઈના બી જેવું છે. કોઈ એક માણસે એને લઈને પોતાના ખેતરમાં વાવ્યું; એ વધીને મોટો છોડ બન્યો અને આકાશનાં પંખીઓએ તેની ડાળીઓ પર માળા બાંયા.”
ખમીરનું ઉદાહરણ
(માથ. 13:33)
20ઈસુએ ફરીથી કહ્યું, “ઈશ્વરના રાજને હું શાની સાથે સરખાવું? 21એ તો ખમીર જેવું છે; એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ધીરે ધીરે ભેળવે છે; તેથી બધા જ લોટને આથો ચડે છે.”
ઉદ્ધારનો સાંકડો માર્ગ
(માથ. 7:13-14,21-23)
22ઈસુ શહેરોમાં અને ગામડાંઓમાં ઉપદેશ આપતા આપતા યરુશાલેમ તરફ જઈ રહ્યા હતા. 23કોઈએ તેમને પૂછયું, “પ્રભુ, શું થોડા જ લોકો ઉદ્ધાર પામશે?”
24ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ. 25ઘરનો માલિક ઊભો થઈને બારણું બંધ કરશે; પછી જ્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવશો અને કહેશો, ‘સાહેબ અમારે માટે બારણું ખોલો,’ ત્યારે તે જવાબ આપશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી!’ 26ત્યારે તમે વળતો જવાબ આપશો, ‘અમે તમારી સાથે ખાધુંપીધું હતું; તમે અમારા શહેરમાં ઉપદેશ આપ્યો હતો.’ 27ત્યારે તે ફરીથી કહેશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી. ઓ સર્વ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ!’ 28તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને તથા બધા સંદેશવાહકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને તમે પોતે બહાર ફેંકાઈ જશો ત્યારે તમારે રડવાનું અને દાંત પીસવાનું રહેશે. 29વળી, પૂર્વથી તથા પશ્ર્વિમથી અને ઉત્તરથી તથા દક્ષિણથી લોકો આવશે અને ઈશ્વરના રાજમાં ભોજન સમારંભમાં બેસશે. 30જુઓ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે.”
યરુશાલેમ પ્રત્યે ઈસુનો પ્રેમ
(માથ. 23:37-39)
31એ જ સમયે કેટલાક ફરોશીઓએ ઈસુની પાસે આવીને કહ્યું, “તમે અહીંથી નીકળીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ, કારણ, હેરોદ તમને મારી નાખવા માગે છે.”
32ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ શિયાળવાને જઈને કહો; હું આજે અને આવતીકાલે દુષ્ટાત્માઓ કાઢવાનો છું તથા લોકોને સાજા કરવાનો છું, પરમ દિવસે હું મારું કાર્ય પૂરું કરીશ. 33છતાં આજે, આવતી કાલે અને પરમ દિવસે તો મારે મારી મુસાફરી ચાલુ રાખવી પડશે; યરુશાલેમ સિવાય બીજી કોઈ જગ્યાએ સંદેશવાહક માર્યો જાય એમ બને જ નહિ.
34“ઓ યરુશાલેમ, યરુશાલેમ! સંદેશવાહકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે એકઠાં કરે તેમ તારા લોકને એકઠા કરવાની મેં કેટલી બધી વાર ઝંખના સેવી છે; પણ તેં તે ઇચ્છયું નથી. 35હવે તારું ઘર તારે આશરે છોડી દેવામાં આવશે. હું તમને કહું છું કે, ‘પ્રભુના નામે જે આવે છે તેને ઈશ્વર આશિષ આપો!’ એમ તમે નહિ કહો, ત્યાં સુધી તમે મને જોશો નહિ.”

Поточний вибір:

લૂક 13: GUJCL-BSI

Позначайте

Поділитись

Копіювати

None

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть