લૂક 18

18
આગ્રહયુક્ત પ્રાર્થના અંગે ઉદાહરણ
1હમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને કદી નિરાશ ન થવું, એ શીખવવા ઈસુએ તેમને એક ઉદાહરણ કહ્યું, 2“એક નગરમાં એક ન્યાયાધીશ હતો, તે ન તો ઈશ્વરની બીક રાખતો કે ન તો માણસોનું માન રાખતો. 3એ જ નગરમાં એક વિધવા હતી. તે તેની પાસે જઈને કહ્યા કરતી: ‘મારા પ્રતિવાદી સામે મને ન્યાય અપાવો.’ 4કેટલાક સમય સુધી તો ન્યાયાધીશને તેમ કરવાની ઇચ્છા ન હતી, છતાં અંતે તેણે પોતાના મનમાં કહ્યું, ‘જો કે હું ઈશ્વરની બીક રાખતો નથી અથવા માણસોનું માન રાખતો નથી, 5છતાં આ વિધવાના આગ્રહને લીધે તેને તેનો હક્કદાવો મળી રહે તે જોઈશ. નહિ તો, તે આવીને મને હેરાન કરી મૂકશે!”
6પછી પ્રભુએ કહ્યું, “એ અપ્રામાણિક ન્યાયાધીશ જે કહે છે તે સાંભળો. 7તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે? 8હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં વિના વિલંબે ન્યાય કરશે. પણ માનવપુત્ર પૃથ્વી પર આવે ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ?”
નમ્રતાયુક્ત પ્રાર્થના અંગે ઉદાહરણ
9પોતે જ ધાર્મિક છે એવી પાકી ખાતરી ધરાવનાર અને બીજાઓનો તિરસ્કાર કરનાર લોકોને ઉદ્દેશીને ઈસુએ આ ઉદાહરણ કહ્યું, 10“બે માણસો પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એમાંનો એક ફરોશી હતો. 11બીજો નાકાદાર હતો. ફરોશીએ ઊભા રહીને પ્રાર્થના કરી, ‘હે ઈશ્વર, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા નાકાદાર જેવો નથી તેથી હું તમારો આભાર માનું છું. 12સપ્તાહમાં બે વાર તો હું ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દસમો ભાગ દાનમાં આપું છું.’ 13પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!” 14ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.”
બાળકોને આશિષ
(માથ. 19:13-15; માર્ક. 10:13-16)
15કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેમના પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ તે જોઈને લોકોને ધમકાવ્યા. 16પણ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવતાં કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો. તેમને રોકશો નહિ, કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે. 17હું તમને સાચે જ કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતો નથી તે તેમાં કદી જ પ્રવેશ કરશે નહિ.”
શ્રીમંત યુવાન
(માથ. 19:16-30; માર્ક. 10:17-31)
18એક યહૂદી આગેવાને ઈસુને પૂછયું, “ઉત્તમ ઉપદેશક, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું?”
19ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એકમાત્ર ઈશ્વર વિના કોઈ ઉત્તમ નથી. 20તું આજ્ઞાઓ તો જાણે છે ને? વ્યભિચાર ન કર; ખૂન ન કર; ચોરી ન કર; જૂઠી સાક્ષી ન પૂર, તારાં માતાપિતાને માન આપ!”
21તેણે જવાબ આપ્યો, “એ બધી આજ્ઞાઓ તો હું બાળપણથી જ પાળતો આવ્યો છું.”
22એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તારે એક બાબત કરવાની જરૂર છે. તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને તેમાંથી ઊપજેલા પૈસા ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે; પછી આવીને મને અનુસર.” 23એ સાંભળીને તે ઘણો ઉદાસ થઈ ગયો, કારણ તે ઘણો શ્રીમંત હતો.
24એ જોઈને ઈસુએ કહ્યું, “ધનવાન લોકો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશવું કેટલું અઘરું છે! 25શ્રીમંતને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો એના કરતાં ઊંટને સોયના નાક્માં થઈને પસાર થવું સહેલું છે!”
26તેમનું સાંભળીને લોકોએ પૂછયું, “તો પછી ઉદ્ધાર કોણ પામી શકે?”
27ઈસુએ જવાબ આપ્યો, “માણસોને માટે જે અશક્ય છે તે ઈશ્વરને માટે શકાય છે.”
28પછી પિતરે કહ્યું, “જુઓ, અમે તો તમને અનુસરવાને અમારાં ઘરકુટુંબનો ત્યાગ કર્યો છે.”
29ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજને માટે જે કોઈ ઘર, પત્ની, ભાઈઓ, માતાપિતા અથવા બાળકોનો ત્યાગ કરે છે, 30તેને આ યુગમાં પુષ્કળ મળશે, અને આવનાર યુગમાં સાર્વકાલિક જીવન મળશે.”
ઈસુના મરણની ત્રીજી આગાહી
(માથ. 20:17-19; માર્ક. 10:32-34)
31ઈસુએ બાર શિષ્યોને એક બાજુએ લઈ જઈને કહ્યું, “સાંભળો! આપણે યરુશાલેમ જઈએ છીએ અને સંદેશવાહકોએ માનવપુત્ર અંગે જે લખેલું છે તે બધું સાચું ઠરશે. 32તેને બિનયહૂદીઓના હાથમાં સોંપી દેવામાં આવશે, અને તેઓ તેની મજાક ઉડાવશે. તેનું અપમાન કરશે અને તેના પર થૂંકશે. 33તેઓ તેને ચાબખા મારશે, તેને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછો સજીવન કરાશે.”
34શિષ્યો એમાંનું કંઈ સમજ્યા નહિ; એ શબ્દોનો અર્થ તેમનાથી છુપો રખાયો હતો અને ઈસુ શાના વિષે બોલતા હતા તેની તેમને ખબર પડી નહિ.
અંધ ભિખારીને દૃષ્ટિદાન
(માથ. 20:29-34; માર્ક. 10:46-52)
35ઈસુ યરીખો નજીક આવી રહ્યા હતા, અને રસ્તા પર એક આંધળો ભીખ માગતો બેઠો હતો. 36નજીકમાં ટોળાને પસાર થતું સાંભળીને તેણે પૂછયું, “આ બધું શું છે?”
37તેમણે તેને કહ્યું, “નાઝારેથના ઈસુ જઈ રહ્યા છે.”
38તેણે બૂમ પાડી, “ઓ ઈસુ! દાવિદના પુત્ર! મારા પર દયા કરો!”
39મોખરે ચાલતા લોકોએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું; પણ તે તો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યો, “ઓ દાવિદપુત્ર! મારા પર દયા કરો.”
40તેથી ઈસુ થોભ્યા અને પેલા આંધળાને પોતાની પાસે લાવવા આજ્ઞા કરી. તે પાસે આવ્યો ત્યારે ઈસુએ તેને પૂછયું, 41“હું તારે માટે શું કરું? તારી શી ઇચ્છા છે?”
તેણે જવાબ આપ્યો, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.”
42ત્યારે ઈસુએ તેને કહ્યું, “દેખતો થા! તારા વિશ્વાસને લીધે તું સાજો કરાયો છે.”
43તે તરત જ દેખતો થયો અને ઈશ્વરનો આભાર માનતો ઈસુની પાછળ ગયો. એ જોઈને જનસમુદાયે ઈશ્વરની સ્તુતિ કરી.

Поточний вибір:

લૂક 18: GUJCL-BSI

Позначайте

Поділитись

Копіювати

None

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть