લૂક 22

22
ઈસુની વિરુદ્ધ કાવતરું
(માથ. 26:1-5; માર્ક. 14:1-2; યોહા. 11:45-53)
1પાસ્ખાપર્વ નામે ઓળખાતું ખમીર વગરની રોટલીનું પર્વ નજીક આવ્યું હતું. 2મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો ઈસુને મારી નાખવા માટેનો કોઈક ઉપાય શોધતા હતા; કારણ, તેઓ લોકોથી ડરતા હતા.
ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ
(માથ. 26:14-16; માર્ક. 14:10-11)
3ઈસુના બાર શિષ્યો હતા, તેમાં ઈશ્કારિયોત તરીકે ઓળખાતો યહૂદા પણ હતો. તેનામાં શેતાન પ્રવેશ્યો. 4તેથી તેણે જઈને મુખ્ય યજ્ઞકારો અને મંદિરના સંરક્ષકો સાથે ઈસુને કેવી રીતે પકડી શકાય તે અંગે મંત્રણા કરી. 5તેઓ ખુશ થઈ ગયા અને તેને પૈસા આપવા કબૂલ થયા. 6તેથી યહૂદા સંમત થયો અને લોકો ન જાણે તેમ ઈસુને તેમના હાથમાં પકડાવી દેવાની તે તક શોધવા લાગ્યો.
પાસ્ખાપર્વના ભોજનની તૈયારી
(માથ. 26:17-25; માર્ક. 14:12-21; યોહા. 13:21-30)
7ખમીર વગરની રોટલી ખાવાના પર્વ દરમિયાન પાસ્ખાપર્વના ભોજન માટે ઘેટો કાપવાનો દિવસ આવ્યો. 8ઈસુએ પિતર અને યોહાનને સૂચના આપી મોકલ્યા, “જાઓ, જઈને આપણે માટે પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કરો.”
9તેમણે પૂછયું, “અમે તે ક્યાં તૈયાર કરીએ?”
10તેમણે કહ્યું, “તમે શહેરમાં જશો એટલે પાણીનો ઘડો ઊંચકીને જતો એક માણસ તમને મળશે. 11જે ઘરમાં તે જાય ત્યાં તેની પાછળ પાછળ જજો, અને ઘરધણીને કહેજો, “ગુરુજીએ તમને એમ પુછાવ્યું છે કે, મારે અને મારા શિષ્યોને પાસ્ખાપર્વનું ભોજન લેવા માટેનો ઓરડો ક્યાં છે? 12એટલે તે તમને એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે બધી તૈયારી કરજો.”
13તેઓ ચાલી નીકળ્યા, અને ઈસુએ જેવું કહ્યું હતું બરાબર તેવું જ તેમને મળ્યું; અને તેમણે પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યું.
પ્રભુભોજન
(માથ. 26:26-30; માર્ક. 14:22-26; ૧ કોરીં. 11:23-25)
14સમય થયો એટલે ઈસુ પોતાની જગ્યાએ પ્રેષિતો સાથે જમવા બેઠા. 15તેમણે તેમને કહ્યું, “હું દુ:ખ વેઠું તે પહેલાં તમારી સાથે પાસ્ખાપર્વનું આ ભોજન ખાવાની મને બહુ ઇચ્છા હતી. 16કારણ, હું તમને કહું છું કે ઈશ્વરના રાજમાં એનો અર્થ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું તે ફરી કદી ખાવાનો નથી.”
17પછી ઈસુએ પ્યાલો લીધો, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને કહ્યું, “લો,તમે સૌ એમાંથી પીઓ. 18કારણ, હું તમને કહું છું કે હવેથી હું ઈશ્વરનું રાજ આવે ત્યાં સુધી દ્રાક્ષનું પીણું પીવાનો નથી.”
19પછી તેમણે રોટલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને શિષ્યોને તે આપતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીને માટે આ કરો.” 20એ જ પ્રમાણે ભોજન કરી રહ્યા પછી તેમણે પ્યાલો આપતાં કહ્યું, “આ પ્યાલો તમારે માટે રેડાનાર મારા રક્તથી મંજૂર કરાયેલો ઈશ્વરનો નવો કરાર છે.
21“પણ જુઓ, મને દગાથી પકડાવી દેનાર તો મારી સાથે અહીં જમવા બેઠો છે! 22ઈશ્વરે નિર્માણ કર્યા મુજબ માનવપુત્ર તો જશે, પણ તેને પકડાવી દેનાર માણસની કેવી દુર્દશા થશે!”
23પછી, તેમનામાંથી કોણ એ કાર્ય કરવાનો છે તે અંગે તેઓ એક બીજાને પૂછવા લાગ્યા.
સૌથી મોટું કોણ?
24શિષ્યોમાં સૌથી મોટું કોણ ગણાય એ અંગે વાદવિવાદ થયો. 25ઈસુએ તેમને કહ્યું, “આ દુનિયાના રાજવીઓ તેમની પ્રજા પર અધિકાર ભોગવે છે, અને રાજ્યર્ક્તાઓ તો પોતાને પ્રજાના ‘સેવકો’ કહેવડાવે છે! 26પણ તમારા સંબંધમાં એવું ન થવું જોઈએ. એથી ઊલટું, તમારામાં જે સૌથી મોટો હોય તેણે તો સૌથી નાના જેવા થવું, અને આગેવાનોએ નોકર જેવા બનવાનું છે. 27જમવા બેસનાર અને પીરસનાર એ બેમાંથી મોટું કોણ? અલબત્ત, જે જમવા બેસે છે તે જ. પણ હું તમારામાં પીરસનારના જેવો છું.
28“મારાં સંકટોમાં તમે સતત મારી સાથે રહ્યા છો; 29અને મારા પિતાએ જેમ મને રાજ્યાધિકાર આપ્યો છે, તેમ હું પણ તમને આપું છું. 30મારા રાજમાં તમે મારી સાથે ખાશો અને પીશો અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરવા માટે રાજ્યાસન પર બેસશો.
પિતરના નકારની આગાહી
(માથ. 26:31-35; માર્ક. 14:27-31; યોહા. 13:36-38)
31“સિમોન! સિમોન! સાંભળ! જેમ ઘઉંને ચાળવામાં આવે છે તેમ તમારી ક્સોટી કરવાની શેતાને માગણી કરી છે. 32પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.”
33પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા અને મરવા પણ તૈયાર છું.”
34ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે તું મને ઓળખતો નથી, એવું કૂકડો બોલે તે પહેલાં તું ત્રણવાર કહીશ.”
પૈસાનું પાકીટ, થેલી અને તલવાર
35પછી ઈસુએ તેમને કહ્યું, “મેં તમને પૈસાનું પાકીટ, થેલી અથવા પગરખાં વિના મોકલ્યા ત્યારે તમને કશાની તંગી પડી હતી?”
તેમણે જવાબ આપ્યો, “ના, કશાની નહિ.”
36ઈસુએ કહ્યું, “પણ હવે તો જેની પાસે પૈસાનું પાકીટ કે થેલી હોય, તે પોતાની સાથે લઈ લે; અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને પણ એક ખરીદે. 37કારણ, હું તમને કહું છું કે, ‘ગુનેગારોમાં તેની ગણના થઈ’ એવું જે ધર્મશાસ્ત્રમાં લખેલું છે, તે સાચું પડવું જોઈએ. કારણ કે મારા વિષે જે લખવામાં આવ્યું હતું તે સાચું પડી રહ્યું છે.”
38શિષ્યોએ કહ્યું, “પ્રભુ, જુઓ આ રહી બે તલવાર!” તેમણે જવાબ આપ્યો, “બસ, એટલી તો પૂરતી છે.”
ઓલિવ પર્વત પર પ્રાર્થના
(માથ. 26:36-46; માર્ક. 14:32-42)
39હંમેશની જેમ ઈસુ શહેર બહાર ઓલિવ પર્વત પર ગયા; અને શિષ્યો પણ તેમની સાથે ગયા. 40ત્યાં પહોંચ્યા એટલે તેમણે તેમને કહ્યું, “તમારું પ્રલોભન ન થાય તે માટે પ્રાર્થના કરો.”
41પછી પથ્થર ફેંક્ય તેટલે અંતરે તે તેમનાથી દૂર ગયા, અને ધૂંટણિયે પડીને પ્રાર્થના કરી; 42તેમણે કહ્યું, “હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 43[આકાશમાંથી આવેલો એક દૂત તેમને દેખાયો અને તેણે તેમને પ્રબળ કર્યા]. 44ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.
45પ્રાર્થનામાંથી ઊભા થઈને તે શિષ્યો પાસે પાછા ગયા અને દુ:ખને કારણે થાકી ગયા હોવાથી તેમને ઊંઘતા જોયા. 46તેમણે કહ્યું, “તમે કેમ ઊંઘો છો? ઊઠો, તમારી ક્સોટી ન થાય તે માટે પ્રાર્થના કરો.”
ઈસુની ધરપકડ
(માથ. 26:47-56; માર્ક. 14:43-50; યોહા. 18:3-11)
47ઈસુ હજુ તો બોલતા હતા તેવામાં એક ટોળું આવ્યું. બાર શિષ્યોમાંનો એક એટલે યહૂદા તેમનો આગેવાન હતો. તેણે પાસે આવીને ઈસુને ચુંબન કર્યું. 48પણ ઈસુએ કહ્યું, “યહૂદા, શું તું માનવપુત્રને ચુંબન કરીને પકડાવી દે છે?”
49જે થવાનું હતું તે જોઈને ઈસુની સાથેના શિષ્યોએ કહ્યું, “પ્રભુ, અમે અમારી તલવાર ચલાવીએ?” 50અને એમાંના એકે તો મુખ્ય યજ્ઞકારના નોકર પર ઘા કર્યો અને તેનો જમણો કાન કાપી નાખ્યો.
51પણ ઈસુએ કહ્યું, “બસ!” પછી તેમણે એ માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો. 52પછી ઈસુએ પોતાને પકડવા આવેલા મુખ્ય યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોના અધિકારીઓ અને આગેવાનોને કહ્યું, “હું જાણે કે ચોરડાકુ હોઉં તેમ મને પકડવા માટે તમારે તલવારો અને લાકડીઓ લઈને કેમ આવવું પડયું? 53હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને પકડયો નહિ. પણ અત્યારે અંધકારનો અધિકાર જામ્યો છે, અને તમારે માટે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે.”
પિતરનો નકાર
(માથ. 26:57-58,69-75; માર્ક. 14:53-54,66-72; યોહા. 18:12-18,25-27)
54તેઓ ઈસુની ધરપકડ કરીને તેમને મુખ્ય યજ્ઞકારને ઘેર લઈ ગયા. પિતર થોડે અંતરે રહી પાછળ પાછળ ગયો. 55આંગણાની મધ્યમાં અગ્નિ પેટાવ્યો હતો અને ત્યાં તેની આસપાસ બેઠેલા લોકો સાથે પિતર પણ બેસી ગયો.
56એક નોકરડીએ તેને તાપણે બેઠેલો જોયો, અને તેણે તેની સામે ધારીધારીને જોઈને કહ્યું, “આ માણસ પણ ઈસુની સાથે હતો.”
57પણ પિતરે ઇન્કાર કરતાં કહ્યું, “બહેન, હું તો તેને ઓળખતો પણ નથી!”
58થોડીવાર પછી એક માણસે તેને જોઈને કહ્યું, “તું પણ તેમનામાંનો જ છે!”
પણ પિતરે ઇનકાર કરતાં કહ્યું, “ના, ભાઈ, ના! હું નથી!”
59એકાદ કલાક પછી બીજા એક માણસે ભારપૂર્વક કહ્યું, “બેશક, આ માણસ તેની સાથે હતો; કારણ, તે પણ ગાલીલવાસી છે!”
60પણ પિતરે જવાબ આપ્યો, “ભાઈ, હું તો તમે શું કહો છો તે પણ સમજી શક્તો નથી!”
61તે બોલતો હતો એવામાં તરત જ કૂકડો બોલ્યો. પ્રભુએ પાછા ફરીને પિતર તરફ નજર ઠેરવી, એટલે પિતરને પ્રભુના શબ્દો સાંભર્યા કે, “આજે કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.” 62પિતર બહાર જઈને હૈયાફાટ રડયો.
ઈસુની ઠઠ્ઠામશ્કરી અને મારપીટ
(માથ. 26:67-68; માર્ક. 14:65)
63ઈસુની ચોકી કરતા સૈનિકોએ તેમની મશ્કરી કરી અને તેમને માર માર્યો. 64તેમણે તેમની આંખો ઉપર પાટો બાંધ્યો અને તેમને પૂછયું, “કહે જોઈએ, તને કોણે માર્યો?” 65અને તેમણે ઈસુને બીજી ઘણી અપમાનજનક વાતો કહી.
ન્યાયસભા સમક્ષ ઈસુ
(માથ. 26:59-66; માર્ક. 14:55-64; યોહા. 18:19-24)
66સવાર થતાં જ યહૂદીઓના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા, અને તેમની વરિષ્ઠ સભા સમક્ષ ઈસુને લાવવામાં આવ્યા. 67તેમણે પૂછયું, “શું તું મસીહ છે? જો હોય, તો અમને જણાવ.”
તેમણે જવાબ આપ્યો, “જો હું તમને કહું તોપણ તમે મારું માનવાના નથી. 68તેમ જ જો હું તમને પ્રશ્ર્ન પૂછું તો તેનો તમે જવાબ પણ આપવાના નથી. 69પણ હવેથી માનવપુત્ર સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બેસશે.”
70બધાએ પૂછયું, “તો શું તું ઈશ્વરપુત્ર છે?” તેમણે તેમને જવાબ આપ્યો, “હું એ છું એવું તમે જ કહો છો.” 71અને તેમણે કહ્યું, “આપણે કોઈ સાક્ષીઓની જરૂર નથી. આપણે પોતે જ તેના શબ્દો સાંભળ્યા છે!”

Поточний вибір:

લૂક 22: GUJCL-BSI

Позначайте

Поділитись

Копіювати

None

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть