YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 37

37
યૂસફ અને તેના ભાઈઓ
1અને યાકૂબ તેના પિતાના પ્રવાસના દેશમાં એટલે કનાન દેશમાં રહ્યો. 2યાકૂબનો વંશ આ છે. યૂસફ સત્તર વર્ષનો થયો, ત્યારે તેના ભાઈઓની સાથે ટોળાં ચરાવતો હતો, અને તે જુવાન હતો, ને તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દિકરાઓની સાથે હતો; અને યૂસફ તેઓની ભંડાઈની ખબર તેના પિતાની પાસે લાવતો હતો. 3હવે ઇઝરાયલ તેના સર્વ દિકરાઓ કરતાં યૂસફ પર વિશેષ‍ પ્રેમ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. અને તેણે તેને માટે એક રંગિત ઝભ્‍ભો સિવડાવ્યો હતો. 4અને તેના ભાઈઓએ જોયું કે તેઓના પિતા તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ‍ પ્રેમ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.
5અને યૂસફને સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું; અને તેઓ તેના પર વત્તો દ્વેષ કરતા હતા. 6અને તેણે તેઓને કહ્યું, “આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો: 7જુઓ, આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા, ને જુઓ, મારી પૂળી ઊઠીને ઊભી રહી; અને જુઓ, તમારી પૂળીઓ ચારેબાજુ ઊભી રહી, ને મારી પૂળીની આગળ નમી.” 8અને તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખચીત અમારા પર સત્તા ચલાવશે? શું તું ખચીત અમારો ધણી થશે?” અને તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વત્તો દ્વેષ કરતા હતા. 9અને ફરી તેને બીજું સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહ્યું ને બોલ્યો, “જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું; અને જુઓ, સૂર્ય તથા ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.” 10અને તેણે તેના પિતાને તથા તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું. અને તેના પિતાએ તેને ધમકાવ્યો, ને તેને કહ્યું, “જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ ભૂમિ સુધી નમવાને હું તથા તારી મા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?” 11અને #પ્રે.કૃ. ૭:૯. તેના ભાઈઓએ તેના પર અદેખાઈ કરી; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.
યૂસફ વેચી દેવાયો, અને મિસરમાં લઈ જવાયો
12અને તેના ભાઈઓ તેઓના પિતાનાં ટોળાં ચરાવવાને શખેમમાં ગયા. 13અને ઇઝરયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ.” અને તેણે તેને કહ્યું, “હું આ રહ્યો.” 14અને યાકૂબે તેને કહ્યું, “જાલ; ને તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો. અને મારી પાસે ખબર લઈ આવ.” અને તેણે તેને હેબ્રોનના મેદાનમાંથી મોકલી દીધો, ને તે શખેમ આવ્યો.
15અને, જુઓ, યૂસફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. અને તેણે યૂસફને પૂછયું, “તું શું શોધે છે?” 16અને તેણે કહ્યું, “હું મારા ભાઈઓને શોધું છું; તેઓ ક્યાં ચરાવે છે તે કૃપા કરીને મને કહે.” 17અને તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ગયા છે. કેમ કે ‘ચાલો, આપણે દોથાન જઈએ, ’ એવું તેઓને કહેતઅં મેં સાંભળ્યા.” અને યૂસફ તેના ભાઈઓની પાછળ ગયો, ને દોથાનમાં તેઓ તેને મળ્યા. 18અને તેઓએ તેને આઘેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી. 19અને તેઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નપતિ આવે છે. 20અને હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈએક ખાડામાં તેને નાખી દઈએ, ને આપણે કહીશું કે, કોઈક રાની પશુ તેને ખાઈ ગયું છે. અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું.” 21અને રૂબેને તે સાંભળ્યું, ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો; અને તેણે કહ્યું, “આપણે તેનો જીવ ન લેવો.” 22તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રૂબેને તેઓને કહ્યું, “તેનું રક્ત ન વહેવડાવો. પણ રાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, ને તેના પર હાથ ન નાખો.”
23અને એમ થયુમ કે, યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે યૂસફનો ઝભ્ભો, એટલે જે રંગિત ઝભ્ભાઓ તેના અંગ પર હતો, તે તેઓએ ઉતારી લીધો. 24અને તેઓએ તેને પકડયો, ને તેને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો, ને તેમાં પાણી ન હોતું.
25અને તેઓ રોટલી ખાવા બેઠા. અને તેઓએ નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ઇશ્માએલીઓનો એક સંઘ ગિલ્યાદથી આવતો હતો; અને સુગંધીઓ તથા લોબાન તથા બોળથી લાદેલાં તેઓનાં ઊંટ મિસર દેશમાં તેઓ લઈ જતા હતા. 26અને યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “જુઓ, આપણા ભાઈને મારી નાખીએ ને તેનું રક્ત સંતાડીએ તો આપણને શો લાભ? 27ચાલો, ઇશ્માએલીઓને તેને વેચી દઈએ, ને આપણો હાથ તેની વિરુદ્ધ ન થાય. કેમ કે તે આપણો ભાઈ તથા આપણું લોહી છે.” અને તેના ભાઈઓએ તેનું સાંભળ્યું. 28અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા; અને તેઓએ યૂસફને ખાડામાંથી ખેંચી કાઢયો, ને #પ્રે.કૃ. ૭:૯. તેઓએ રૂપાના વીસ ફટકામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. અને તેઓ યૂસફને મિસરમાં લઈ ગયા.
29અને રૂબેન ખાડાની પાસે પાછો આવ્યો. અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો; અને તેણે પોતાનાં લૂગડાં ફાડયાં. 30અને તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “છોકરો તો નથી. અને હું ક્યાં જાઉં?” 31અને તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, ને એક બકરું કાપીને તેના રક્તમાં તે ઝભ્ભો બોળ્યો. 32અને તેઓએ તે રંગિત ઝભ્ભો તેઓના પિતાની પાસે મોકલાવીને કહ્યું, “આ અમને જડયો છે. તે તમારા દિકરાનો ઝભ્ભો છે કે નહિ એ તમે ઓળખી લેજો.” 33અને તેણે તે ઓળખ્યો, ને કહ્યું, “તે મારા દિકરાનો ઝભ્ભો છે; કોઈ રાની પશુએ તેને ફાડી ખાધો છે; નિશ્ચે યૂસફ ફાડી નંખાયો છે.” 34અને યાકૂબે તેનાં વસ્‍ત્ર ફાડયાં, ને તેની કમરે ટાટ બાંધ્યું, ને તેના દિકરાને માટે ઘણા દિવસ સુધી શોક કર્યો. 35અને તેના સર્વ દિકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવાને ઊઠયાં, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું, “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દિકરાની પાસે જઈશ.” અને તેનો પિતા તેને માટે રડયો. 36અને પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુણો સરદાર પોટીફાર, જે રક્ષકોનો અધિકારી હતો, તેને ત્યાં વેચી દીધો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in