YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 38

38
યહૂદા અને તામાર
1અને તે વખતે એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો, ને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં ઊતર્યો. 2અને યહૂદાએ ત્યાં એક કનાની સ્‍ત્રી, જેનું નામ શૂઆ હતું, તેની દીકરીને જોઈ. અને તેણે તેને લીધી, ને તેની પાસે ગયો. 3અને તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો; અને તેણે તેનું નામ એર પાડયું. 4ફરી તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો; અને તેણે તેનું નામ ઓનાન પાડયું. 5અને તેને ફરી એક દીકરો જન્મ્યો ને તેનું નામ તેણે શેલા પાડયું. અને તે જન્મ્યો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો. 6અને યહૂદાએ તેના જ્યેષ્ઠ દિકરા એરને માટે પત્ની લીધી, ને તેનું નામ તામાર હતું. 7પણ યહૂદાનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાની દષ્ટિમાં ભંડો હતો, તેથી યહોવાએ તેને મારી નાખ્યો. 8અને યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પાસે જા, ને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ અદા કર, ને તારા ભાઈને માટે સંતાન ઉપજાવ.” 9અને એનાને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહિ; અને એમ થયું કે, જ્યારે તે તેની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડયું. 10અને તેણે જે કર્યું તે યહોવાની દષ્ટિમાં ભૂંડુમ હતું, તેથી યહોવાએ તેને પણ મારી નાખ્યો. 11અને યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો દીકરો શેલા મોટો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવાવસ્થામાં રહે.” કેમ કે તેણે કહ્યું, કદાચ તે પણ તેના ભાઈઓની પેઠે માર્યો જાય. અને તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.
12અને ઘણા દિવસ વીતી ગયા, ને યહૂદાની પત્ની, શૂઆની દીકરી, મરણ પામી. અને યહૂદા દિલાસો પામ્યો, ને તે તેના મિત્ર હીરા અદુલ્લામી સહિત તેનાં ઘેટાં કાતરનારાઓની પાસ તિમ્ના ગયો.
13અને તામારને એવી ખબર મળી કે જો, તારો સસરો તેનાં ઘેટાં કાતરવાને તિમ્ના જાય છે. 14અને તેણે તેના વૈધવ્યનાં વસ્‍ત્ર તેના અંગ પરથી ઉતારી નાખ્યાં, ને ઘૂમટો તાણીને એનાઈમ જે તિમ્ના જવાને માર્ગે છે તેની ભાગળમાં બેઠી; કેમ કે તેણે જોયું કે શેલા મોટો થયો છે, તોપણ હું તેની પત્ની થવા માટે તેને અપાયેલી નથી. 15અને યહૂદાએ તેને જોઈ, ત્યારે તેને વેશ્યા જાણી; કેમ કે તેણે પોતાનું મુખ ઢાંકયું હતું. 16અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે આવવા દે.” કેમ કે એ મારી પુત્રવધૂ છે એમ તે જાણતો નહોતો. અને તે બોલી, “મારી પાસે આવવા માટે તું મને શું આપીશ?” 17અને તેણે કહ્યું, “ટોળામાંથી બકરીનું બચ્ચું હું તારી પાસે મોકલીશ.” અને તેણે કહ્યું, “તું મોકલે ત્યાં સુધી તું મને બાનામાં શું આપીશ?” 18અને તેણે કહ્યું, અને તેણે કહ્યું, “બાનમાં શું આપું?” તેણે તેને કહ્યું, “તારી મુદ્રા તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી.” અને તેણે તે આપ્યાં, ને તે તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ. 19અને તે ઊઠીને ચાલી ગઈ, ને તેણે ઘૂમટો કાઢી નાખીને તેના વૈધવ્યનાં વસ્‍ત્ર પહેર્યાં. 20અને તે સ્‍ત્રીની પાસેથી બાનાની ચીજો લેવા માટે યહૂદાએ પોતાના મિત્ર અદુલ્લામની હસ્તક બકરીનું બચ્‍ચું મોકલ્યું; પણ તે તેને ન મળી. 21અને તે ણે તે સ્થળનાં માણસોને પૂછયું, “જે વેશ્યા એનાઈમ પાસે માર્ગ પર બેઠી હતી તે કયાં છે?” અને તેઓએ કહ્યું, “અહીં કોઈ વેશ્યા નહોતી.” 22અને યહૂદાની પાસે પાછા આવીને તેણે કહ્યું, “મને તે જડતી નથી. અને ત્યાંના માણસોએ પણ કહ્યું કે, ‘અહીં કોઈ વેશ્યા નહોતી.’ 23અને યહૂદાએ કહ્યું, “ભલે તે પોતાની પાસે તે રાખે, રખેને આપણું અપમાન થાય. જો મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તને તે જડી નહિ.”
24અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.” 25અને તેને બહાર લાવ્યા ત્યારે તેણે તેના સસરાની પાસે માણસ મોકલીને કહાવ્યું, જેનાં આ છે, તે માણસથી હું ગર્ભવતી થઈ છું; હવે આ મુદ્રા તથા અછોડો તથા કાઠી કોનાં છે, તે તું કૃપા કરીને ઓળખી લે.” 26અને યહૂદાએ તે [મારાં પોતાનાં છે એમ] કબૂલ કરીને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે; કારણકે મેં તેને મારા દિકરા શેલાને ન આપી.” અને તેણે તેને ફરીથી ન જાણી. 27અને પ્રસવને સમયે એમ થયું કે, જુઓ, તેના પેટમાં જોડકું હતું. 28અને પ્રસવ વખતે એમ થયું કે, એકે પોતાનો હાથ બહાર કાઢયો. અને દાઈએ તેનો હાથ પકડયો, ને તેના પર લાલ સૂતર બાંધ્યું, ને કહ્યું, “આ પહેલો નીકળ્યો.” 29અને તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, જુઓ, એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો. અને [દાઈએ] કહ્યું, “તું કેમ કરીને ફાટ પાડીને નીકળ્યો?” એ માટે તેનું નામ પરેસ પાડયું. 30અને પછી તેનો ભાઈ, જેને હાથે લાલ સૂતર બાંધ્યું હતું તે નીકળ્યો; અને તેનું નામ ઝેરા પડ્યું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in