ઉત્પત્તિ 44
44
ગુમ થયેલું પ્યાલું
1અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી, “આ માણસોની ગુણોમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગૂણના મુખમાં મૂક. 2અને મારું પ્યાલું, એટલે રૂપાનું પ્યાલું, નાનાની ગૂણના મુખમાં તેના અનાજનાં નાણાં સહિત મૂક.” અને યૂસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું. 3અને સવાર થતાં જ તે માણસોને તેઓનાં ગધેડાં સહિત વિદાય કરવામાં આવ્યા. 4તેઓ શહેરમાંથી નીકળીને બહુ આઘે ગયા નહોતા એટલામાં યૂસફે તેના કારભારીને કહ્યું, “ઊઠ, ને તે માણસોની પાછળ દોડ; અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂડું કેમ વાળ્યું? 5જેમાંથી મારો ધણી પીએ છે, ને જેથી તે શુકન જુએ છે તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.” 6અને તેણે તેઓને પકડી પાડીને તેઓને એમ જ કહ્યું. 7અને તેઓએ તેને કહ્યું, “અમારા સાહેબ, એવી વાત કેમ કહે છે? એમ ન થાય કે તમારા દાસો એવું કરે. 8જુઓ, જે નાણું અમને અમારી ગૂણોનાં મુખમાંથી મળી આવ્યું, તે કનાન દેશથી અમે તમારી પાસે પાછું લાવ્યા; તો તમારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ? 9તમારા દાસોમાં જેની પાસેથી તે મળે તે માર્યો જાયમ ને અમે પણ અમારા ઘણીના દાસ થઈએ.” 10અને તેણે કહ્યું, “હવે તમે કહો છો તેમ થાય. જેની પાસેથી તે મળે તે મારો દાસ થાય; અને બાકીના નિરપરાધી ઠરશો.” 11અને તેઓએ તરત જ પોતપોતાની ગૂણ નીચે ઉતારીમ ને પ્રત્યેકે પોતાની ગૂણ ઉઘાડી. 12અને તેણે મોટાથી માંડીને તે નાના સુધીની ઝડતી લીધી; અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલું મળ્યું. 13ત્યારે તેઓએ તેમનાં વસ્ત્ર ફાડયાં, ને તેમનાં ગધેડાં લાદ્યાં, ને તેઓ નગરમાં પાછા આવ્યા.
14અને યહૂદા તથા તેના ભાઈઓ યૂસફને ઘેર આવ્યા; અને તે હજુ ત્યાં જ હતો; અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડયા. 15અને યૂસફે તેઓને કહ્યું, “આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ શુકન જોઈ શકે છે?”
16અને યહૂદા બોલ્યો, “મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તમારા દાસોનાં ભંડાં કામ ઈશ્વરે શોધી કાઢયાં છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું મળ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.” 17અને તેણે કહ્યું, “એવું કરવું મારાથી દૂર થાઓ! જે માણસની પાસેથી પ્યાલું મળ્યું તે મારો દાસ થશે; પણ તમે તો શાંતિએ તમારા પિતાની પાસે જાઓ.”
યહૂદા બિન્યામીન માટે વિનંતી કરે છે
18અને યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા ધણી, કૃપા કરીને તમારા દાસને મારા ધણીના કાનમાં બે બોલ કહેવા દો, ને તમારઅ દાસ પર તમારો રોષ ન ચઢે; કેમ કે તમે ફારુનના સરખા છો. 19મારા ધણીએ તેમના દાસોને એમ પૂછયું હતું કે, ‘શું તમારે પિતા અથવા ભાઈ છે?’ 20અને અમે અમારા ધણીને કહ્યું, ‘અમારે ઘરડા પિતા છે, ને તેમના ઘડપણનો એક નાનો દીકરો છે. અને તેનો ભાઈ મરી ગયો છે, ને તે તેની માનો એકલો જ રહ્યો છે, ને તેના પિતાને તે વહાલો છે.’ 21અને તમે તમારા દાસોને કહ્યું હતું કે, ‘તેને હું જોઉં, માટે તેને મારી પાસે લેતા આવો.’ 22અને અમે અમારા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને છોડી શકે એમ નથી; કેમ કે જો તે પોતાના પિતાને મૂકીને જાય, તો તેના પિતા મરી જાય.’ 23અને તમે તમારા દાસોને કહ્યું હતું કે, ‘જો તમારો નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મારું મુખ ફરી નહિ જોશો.’ 24અને એમ થયું કે અમે તમારા દાસ એટલે અમારા પિતાની પાસે ગયા, ત્યારે એટલે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેમને અમારા ધણીની વાતો કહી સંભળાવી. 25અમારા પિતાએ કહ્યું, ‘તમે પાછા જઈને આપણે માટે થોડું અનાજ વેચાતું લાવો.’ 26અને અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય, જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારો નાનો ભાઈ અમારી સાથે ન હોય, તો તે માણસનું મુખ અમે જોઈ શકીશું નહિ.; 27અને તમારા દાસે, એટલે મારા પિતાએ, અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીને બે પુત્ર થયા હતા; 28અને તેઓમાંનો એક મારી પાસેથી ગયો, ને મેં કહ્યું કે, તેને ખચીત [કોઈ જાનવરે] ફાડી ખાધો હશે; અને ત્યાર પછી મેં તેને જોયો નથી. 29અને આએને પણ જો મારા મુખ આગળથી તમે લઈ જાઓ, ને તેને નુકશાન થાય, તો તમે મારાં પળિયાંને શોકને મારે ઘોરમાં ઉતારશો.’ 30તે માટે હવે તમારા દાસની એટલે મર પિતાની પાસે હું જાઉં, ને તે છોકરો અમારી સાથે ન હોય, 31તો આ છોકરામાં તેમનો જીવ છે, તેથી એમ થશે કે જ્યારે તે જોશે કે છોકરો અમારી સાથે નથી, ત્યારે તે મરી જશે; અને તમારા દાસો તમારા દાસનાં એટલે અમારા પિતાનાં પળિયાં શોકને મારે ઘોર ઉતારશે. 32કેમ કે હું તમારો દાસ મારા પિતાની પાસે આ છોકરાનો જામીન થયો હતો, અને મેં તેમને કહ્યું હતું, ‘જો હું તેને તમારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ મારા પિતાનો અપરાધી થાઉં.’ 33અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમારા દાસને મારા ધણી પાસે દાસ થઈ રહેવા દો; અને છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો. 34કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે શી રીતે જાઉં? રખેને જે દુ:ખ મારા પિતા પર આવી પડે તે મારે જોવું પડે.”
Currently Selected:
ઉત્પત્તિ 44: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.