ઉત્પત્તિ 32
32
એસાવને મળવા યાકોબની તૈયારી
1પછી યાકોબ પોતાના રસ્તે ચાલતો થયો, અને તેને ઈશ્વરના દૂતો સામા મળ્યા. 2તેમને જોઈને યાકોબે કહ્યું, “આ તો ઈશ્વરનું સૈન્ય છે!” તેથી તેણે તે જગાનું નામ માહનાઇમ (બે છાવણી) પાડયું.
3પછી યાકોબે અદોમ દેશના સેઈર પ્રદેશમાં પોતાના ભાઈ એસાવ પાસે પોતાની આગળ સંદેશકો મોકલ્યા. 4તેણે તેમને આવી સૂચના આપી: “તમે મારા મુરબ્બી એસાવને એમ કહેજો કે તમારો સેવક યાકોબ કહેવડાવે છે કે હું લાબાનને ત્યાં ગયો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો. 5મારી પાસે ગધેડાં, ઢોરઢાંક, ઘેટાંબકરાં તથા દાસદાસીઓ છે. મેં મારા મુરબ્બીને અગાઉથી એટલા માટે ખબર મોકલાવી છે કે જેથી હું તમારી રહેમનજર પ્રાપ્ત કરું.”
6સંદેશકોએ યાકોબની પાસે પાછા આવીને કહ્યું, “અમે તમારા ભાઈ એસાવ પાસે જઈ આવ્યા. તે તમને મળવા આવે છે અને તેમની સાથે ચારસો માણસો છે.” 7એ સાંભળીને યાકોબને ખૂબ બીક લાગી અને તે ભારે ચિંતાતુર થઈ ગયો. આથી તેણે પોતાની સાથેના માણસોને તેમ જ ઢોરઢાંક, ઘેટાંબકરાં અને ઊંટોને બે જૂથમાં વહેંચી નાખ્યાં. 8તેણે ધાર્યું કે એસાવ આવીને એક જૂથ પર હુમલો કરે તો બાકીનું જૂથ બચી જાય.
9તે બોલ્યો, “હે પ્રભુ, મારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વર તથા મારા પિતા ઇસ્હાકના ઈશ્વર, તમે જ મને કહ્યું હતું કે, ‘તું તારા વતનમાં તારા લોકની પાસે પાછો જા, અને હું તારું ભલું કરીશ. 10તમે તમારા આ સેવક પ્રત્યે જે એકધારો પ્રેમ અને નિષ્ઠા બતાવ્યાં છે તેને માટે હું લાયક નથી. કારણ, માત્ર મારી લાકડી લઈને મેં આ નદી ઓળંગી હતી. પણ આજે મારી પાસે આ બે જૂથ છે. 11મને મારા ભાઈ એસાવના હાથમાંથી બચાવો, કારણ, મને તેની બીક લાગે છે. કદાચ, તે આવીને મને તેમ જ મારી પત્નીઓ અને બાળકોને પણ મારી નાખે. 12પણ તમે તો મને વચન આપ્યું હતું કે, હું તારું ભલું કરીશ અને તારાં વંશજો દરિયાની રેતી જેટલાં બનાવીશ કે જેને કોઈ ગણી શકે નહિ.”#ઉત. 22:17.
13તે રાત્રે તેણે ત્યાં જ વાસો કર્યો. પછી તેણે પોતાની પાસે જે હતું તેમાંથી પોતાના ભાઈ એસાવ માટે ભેટ પસંદ કરી: 14બસો બકરીઓ, વીસ બકરા, બસો ઘેટીઓ અને વીસ ઘેટાં, 15ત્રીસ દૂધ આપતી ઊંટડીઓ અને તેમનાં બચ્ચાં, ચાલીસ ગાયો અને દસ આખલા, વીસ ગધેડીઓ અને દસ ગધેડા. 16તેણે આ બધાનાં જુદાં જુદાં ટોળાં બનાવીને પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “તમે મારી આગળ આગળ ચાલો, અને ટોળાની વચમાં અંતર રાખજો.” 17તેણે સૌથી આગળના નોકરને કહ્યું, “જો મારો ભાઈ એસાવ તને મળે અને પૂછે કે, ‘તમે કોના માણસો છો? કયાં જાઓ છો? તમારી આગળ આ કોનાં ઢોર છે?’ 18ત્યારે તમે કહેજો કે, ‘એ તો તમારા સેવક યાકોબનાં છે અને અમારા મુરબ્બી એસાવને ભેટમાં મોકલ્યાં છે. તે પોતે અમારી પાછળ જ આવે છે.” 19એ રીતે તેણે ઢોરનાં ટોળાં પાછળ ચાલતા બીજા માણસને, ત્રીજા માણસને અને બીજા બધા માણસોને સૂચના આપી કે, તમે એસાવને મળો ત્યારે આ જ પ્રમાણે કહેજો. 20તેને કહેજો કે તમારો સેવક યાકોબ પોતે અમારી પાછળ જ આવે છે. તેણે એમ વિચાર્યું કે મારી આગળ જતી આ ભેટ દ્વારા હું તેને શાંત પાડીશ અને પછી તેને રૂબરૂ મળીશ. કદાચ, તે મારો સ્વીકાર કરશે. 21આમ ભેટ તેની આગળ ગઈ અને પોતે તે રાત્રે છાવણીમાં રહ્યો. 22તે રાત્રે ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ અને અગિયાર બાળકોને લઈને યાબ્બોક નદી પાર કરી. 23તેણે પોતાની પત્નીઓ અને બાળકો તથા બધી માલમતાને નદીને પેલે પાર મોકલી આપ્યાં.
દિવ્ય પુરુષ સાથે દંગલ
24આમ, યાકોબ એકલો પાછળ રહી ગયો અને સૂર્યોદય થયો ત્યાં સુધી એક પુરુષે તેની સાથે કુસ્તી કરી. 25જ્યારે પેલા પુરુષે જોયું કે તે પોતે યાકોબને હરાવી શક્તો નથી ત્યારે તે તેની જાંઘના સાંધાને અડકયો, એટલે તેની સાથે કુસ્તી કરતી વખતે યાકોબની જાંઘનો સાંધો ઊતરી ગયો. 26પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.”#હોશિ. 12:3-4. 27એટલે, પેલા પુરુષે પૂછયું, “તારું નામ શું છે?” કહ્યું. “યાકોબ” 28ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”#ઉત. 35:10. 29યાકોબે કહ્યું, “કૃપા કરીને મને તમારું નામ કહો.” પણ તેણે કહ્યું, “તું મારું નામ શા માટે પૂછે છે?” પછી તેણે યાકોબને આશિષ આપી.#ન્યાયા. 13:17-18. 30યાકોબે કહ્યું, “મેં ઈશ્વરને પ્રત્યક્ષ જોયા છે, તોપણ મારો જીવ બચ્યો છે.” આથી તેણે એ સ્થળનું નામ ‘પનીએલ’ (ઈશ્વરનું મુખ) પાડયું. 31યાકોબ પનુએલથી જતો હતો એવામાં સૂર્ય ઊગ્યો. તેની જાંઘનો સાંધો ઊતરી ગયો હોવાથી તે લંગડાતો લંગડાતો ચાલ્યો. 32પેલા પુરુષે યાકોબની જાંઘના સાંધાને સ્પર્શ કર્યો હતો તેથી ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી.
Currently Selected:
ઉત્પત્તિ 32: GUJCL-BSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide