યોહાન 7

7
ઈસુ અને તેમના ભાઈઓ
1એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા. 2હવે યહૂદીઓનું #લે. ૨૩:૩૪; પુન. ૧૬:૧૩. માંડવાપર્વ પાસે આવ્યું હતું. 3માટે તેમના ભાઈઓએ તેમને કહ્યું, “અહીંથી નીકળીને યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ. 4કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તમે એ કામો કરો છો, તો જગતની આગળ પોતાને જાહેર કરો.” 5કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો. 6ત્યારે ઈસુ તેઓને કહે છે, “મારો સમય હજી આવ્યો નથી. પણ તમને સર્વ સમય સરખા છે. 7જગત તમારો દ્વેષ કરી નથી શક્તું પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ ભૂંડા છે.
8તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.” 9તે તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
માંડવા પર્વમાં ઈસુ
10પરંતુ તેમના ભાઈઓ પર્વમાં ગયા પછી તે પણ પ્રગટરૂપે તો નહિ, પણ જાણે કે છાની રીતે ત્યાં ગયા. 11ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું, “તે કયાં છે?” 12તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી, કેમ કે કેટલાકે કહ્યું, “તે ભલા માણસ છે.” બીજાઓએ કહ્યું, “એમ નથી, પણ લોકોને તે ભુલાવે છે.” 13તોપણ યહૂદીઓના ધાકને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહિ.
14પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો. 15ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “એ માણસ કદી પણ શીખ્યા નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?” 16માટે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે. 17જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. 18જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે. તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી. 19શું મૂસાએ તમને નિયમશાસ્‍ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્‍ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?”
20લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા છે. કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?”
21ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં એક કામ કર્યું, અને તમે બધા આશ્ચર્ય પામ્યા છો. 22આ કારણથી #લે. ૧૨:૩. મૂસાએ તમને સુન્‍નતનો નિયમ આપ્યો છે (તે મૂસાથી છે એમ તો નહિ, #ઉત. ૧૭:૧૦. પણ પૂર્વજોથી છે); અને તમે વિશ્રામવારે માણસની સુન્‍નત કરો છો. 23મૂસાના નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન ન થાય, એટલા માટે જો કોઈ માણસની સુન્‍નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો #યોહ. ૫:૯. મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? 24દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ યથાર્થ ન્યાય કરો.”
શું એ ખ્રિસ્ત છે?
25ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું, “જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી? 26પણ જુઓ, એ તો પ્રગટ રીતે બોલે છે, અને તેઓ તેમને કંઈ કહેતા નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? 27તોપણ અમે એ માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી [આવેલો] છે. પણ જયારે ખ્રિસ્‍ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી [આવ્‍યો] છે.”
28એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતાં બુલંદ સ્વરે કહ્યું, “તમે મને જાણો છો, અને હું ક્યાંથી [આવ્યો] છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી જાતે આવ્યો નથી, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી. 29હું તેમને જાણું છું, કેમ કે હું તેમની પાસેથી [આવ્યો] છું, અને તેમણે મને મોકલ્યો છે.”
30માટે તેઓએ તેમને પકડવાને પ્રયત્ન કર્યો. પણ તેમનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ. 31પણ લોકોમાંથી ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેઓએ કહ્યું, “ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યા છે તે કરતાં શું તે વધારે કરશે?”
ઈસુને પકડવા સિપાઈઓ મોકલ્યા
32તેમને વિષે લોકો એવી કચકચ કરતા હતા, એ ફરોશીઓએ સાંભળ્યું. ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને ભાલદારો મોકલ્યા. 33ત્યારે ઈસુએ કહ્યું, “હજી થોડી વાર હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું. 34તમે મને શોધશો, પણ હું તમને નહિ મળીશ, અને જયાં હું [જાઉં] છું, ત્યાં તમે આવી નથી શકતા.”
35ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે? 36‘તમે મને શોધશો, પણ હું તમને નહિ મળીશ; અને જયાં હું [જાઉં] છું, ત્યાં તમે આવી નથી શકતા’ એવી જે વાત તેણે કહી તે શી છે?”
જીવનજળનાં ઝરણાં
37હવે #લે. ૨૩:૩૬. પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ. 38શાસ્‍ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, #હઝ. ૪૭:૧; ઝખ. ૧૪:૮. તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” 39પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો.
લોકોમાં ભાગલા
40તે માટે લોકોમાંથી કેટલાકે એ વાતો સાંભળીને કહ્યું, “ [આવનાર] પ્રબોધક ખચીત એ જ છે.” 41બીજાઓએ કહ્યું, “એ જ ખ્રિસ્ત છે.” પણ કેટલાકે કહ્યું, “શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે? 42શું શાસ્‍ત્રમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા #મી. ૫:૨. બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?” 43એ માટે તેને વિષે લોકોમાં ફૂટ પડી. 44તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું. પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.
યહૂદી અધિકારીઓનો અવિશ્વાસ
45ત્યારે ભાલદારો મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા. તેઓએ તેઓને પૂછયું, “તમે તેને કેમ લાવ્યા નહિ?” 46ભાલદારોએ ઉત્તર આપ્યો, “એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.” 47ત્યારે ફરોશીઓએ તેઓને કહ્યું “શું તમે પણ ભુલાવો ખાધો? 48અધિકારીઓમાંથી અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? 49પણ આ જે લોક નિયમશાસ્‍ત્ર જાણતા નથી તેઓ શાપિત છે.” 50નિકોદેમસ (તેઓમાંનો એક, #યોહ. ૩:૧-૨. જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે, 51“માણસનું સાંભળ્યા અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યા વિના, આપણું નિયમશાસ્‍ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?” 52તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું પણ શું ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્‍ન થવાનો નથી.” 53પછી તેઓ પોતપોતાને ઘેર ગયા.

Pati Souliye

Pataje

Kopye

None

Ou vle gen souliye ou yo sere sou tout aparèy ou yo? Enskri oswa konekte

YouVersion sèvi ak cookies pou pèsonalize eksperyans ou. Lè w sèvi ak sit entènèt nou an, ou aksepte itilizasyon cookies yo jan sa dekri nan Règleman sou enfòmasyon privenou an