ઉત્પત્તિ 8
8
જળપ્રલયનો અંત
1ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં. 2ભૂગર્ભજળનાં ઝરણાં અને આકાશની બારીઓ બંધ થયાં અને આકાશમાંથી વરસાદ વરસતો અટકી ગયો. 3પૃથ્વી પરથી પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યાં. દોઢસો દિવસ પછી પાણી ઓસર્યાં 4અને સાતમા માસને સત્તરમે દિવસે વહાણ અરારાટની પર્વતમાળા પર આવીને થંભ્યું. 5હજી પણ પાણી ઓસરતાં જતાં હતાં અને દસમા માસને પ્રથમ દિવસે પર્વતોનાં શિખર દેખાયાં.
6-7ચાલીસ દિવસ પછી નૂહે પોતે બનાવેલી વહાણની બારી ઉઘાડીને એક કાગડાને બહાર મોકલ્યો. પણ પાણી સૂકાયાં ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો. 8પછી પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા નૂહે એક કબૂતરને મોકલ્યું. 9પણ આખી પૃથ્વી પર પાણી ફેલાયેલું હોવાથી કબૂતરને પગ મૂકવાની જગા મળી નહિ. તેથી તે નૂહ પાસે વહાણ તરફ પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને વહાણમાં લઈ લીધું. 10સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. 11કબૂતર સાંજે પાછું આવ્યું ત્યારે તેની ચાંચમાં ઓલિવવૃક્ષનું તાજું પાંદડું હતું! તેથી નૂહે જાણ્યું કે પાણી ઓસરી ગયાં છે. 12બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પરંતુ આ વખતે તે તેની પાસે પાછું આવ્યું નહિ.
13નૂહના આયુષ્યના છસો એક વર્ષના પહેલા માસના પહેલે દિવસે પૃથ્વી પરથી પાણી સંપૂર્ણ રીતે સૂકાઈ ગયાં. નૂહે વહાણનું છાપરું ઉઘાડીને જોયું તો જમીન કોરી થઈ ગઈ હતી. 14બીજા માસના સત્તાવીસમા દિવસે પૃથ્વી પૂરેપૂરી સૂકાઈ ગઈ.
15ઈશ્વરે નૂહને કહ્યું, 16“તું, તારી પત્ની, તારા પુત્રો અને તેમની પત્નીઓ વહાણની બહાર આવો. 17તારી સાથે સર્વ સજીવો એટલે પક્ષીઓ, ઢોરઢાંક અને પેટે ચાલનારા જીવોને પણ બહાર લાવ, જેથી પૃથ્વીમાં તેમની વંશવૃદ્ધિ થાય અને આખી પૃથ્વી પર તેઓ ફેલાઈ જાય. 18તેથી નૂહ, તેની પત્ની, તેના પુત્રો અને તેમની પત્નીઓ વહાણમાંથી બહાર આવ્યાં. 19વળી, સર્વ સજીવ પ્રાણીઓ એટલે વન્યપશુઓ, ઢોરઢાંક, પક્ષીઓ અને પેટે ચાલનારા જીવો પણ પોતપોતાની જાતના જૂથમાં વહાણમાંથી બહાર આવ્યાં.
નૂહ બલિદાન ચડાવે છે
20પછી નૂહે પ્રભુ માટે એક યજ્ઞવેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પ્રાણીઓ અને શુદ્ધ પક્ષીઓ લઈને તેમનું દહનબલિ તરીકે વેદી પર અર્પણ ચડાવ્યું. 21પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ. 22પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને કાપણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો તથા રાત અને દિવસ સદા થયા કરશે.”
Selectat acum:
ઉત્પત્તિ 8: GUJCL-BSI
Evidențiere
Partajează
Copiază
Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide