Logo YouVersion
Ikona Hľadať

લૂક 23

23
પિલાત સમક્ષ ઈસુ
(માથ. 27:1-2,11-14; માર્ક. 15:1-5; યોહા. 18:28-38)
1સભા બરખાસ્ત કરવામાં આવી, અને તેઓ ઈસુને પિલાત સમક્ષ લઈ ગયા. 2અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”
3પિલાતે પ્રશ્ર્ન પૂછયો, “તું યહૂદીઓનો રાજા છે?”
ઈસુએ જવાબ આપ્યો, “તેવું તમે કહો છો.”
4પછી પિલાતે મુખ્ય યજ્ઞકારો અને ટોળાને કહ્યું, “મને આ માણસમાં કંઈ દોષ દેખાતો નથી.”
5પણ તેમણે વિશેષ આગ્રહ કર્યો, “તે તેના શિક્ષણ દ્વારા આખા યહૂદિયાના લોકોને ઉશ્કરે છે. ગાલીલમાં તેણે આરંભ કર્યો, અને હવે અહીં પણ આવ્યો છે.”
હેરોદ સમક્ષ ઈસુ
6એ સાંભળીને પિલાતે પૂછયું, “શું આ માણસ ગાલીલવાસી છે?” 7ઈસુ હેરોદની સત્તા નીચેના પ્રદેશનો છે એવું પિલાતે જાણ્યું, ત્યારે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યો. તે સમયે હેરોદ યરુશાલેમમાં હતો.
8ઈસુને જોઈને હેરોદ ઘણો ખુશ થઈ ગયો, કારણ, તેણે તેમના સંબંધી સાંભળ્યું હતું, અને ઘણા લાંબા સમયથી તે તેમને મળવા માગતો હતો. ઈસુ કંઈક ચમત્કાર કરે તો તે જોવાની તે આશા રાખતો હતો. 9તેથી હેરોદે ઈસુને ઘણા પ્રશ્ર્નો પૂછયા, પણ ઈસુ એકપણ શબ્દ બોલ્યા નહિ. 10મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ આગળ આવીને ઈસુ પર આવેશપૂર્વક આક્ષેપો મૂક્યા. 11હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મશ્કરી કરી અને તેમના પ્રત્યે તિરસ્કારયુક્ત વર્તન દાખવ્યું. 12પછી તેમણે તેમને સુંદર ઝભ્ભો પહેરાવીને પિલાત પાસે પાછા મોકલ્યા. તે જ દિવસે હેરોદ અને પિલાત વચ્ચે મિત્રતા થઈ; તે પહેલાં તો તેઓ એકબીજાના દુશ્મન હતા.
ઈસુને મૃત્યુદંડ
(માથ. 27:15-26; માર્ક. 15:6-15; યોહા. 18:39—19:16)
13પિલાતે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને લોકોને બોલાવીને એકઠા કર્યા, 14અને તેમને કહ્યું, “તમે આ માણસને મારી પાસે લાવીને કહ્યું કે તે લોકોને ગેરમાર્ગે દોરે છે. હવે, અહીં તમારી સમક્ષ મેં તેની તપાસ કરી, અને તમે તેની વિરુદ્ધ જે આક્ષેપો મૂકો છો, તેમાંના એકેય આક્ષેપ વિષે તે મને દોષિત માલૂમ પડયો નથી. 15હેરોદને પણ તેનામાં કંઈ દોષ જણાયો નથી, કારણ, તેણે તેને આપણી પાસે પાછો મોકલી આપ્યો છે. 16મોતની સજા થાય તેવું આ માણસે કંઈ કર્યું નથી. એટલે હું તેને ચાબખા મરાવીને છોડી મૂકીશ.”
17[પ્રત્યેક પાસ્ખાપર્વ સમયે પિલાતે લોકોને માટે એક કેદીને છૂટો કરવો પડતો હતો]. 18આખા ટોળાએ પોકાર કર્યો, “તેને મારી નાખો! અમારે માટે બારાબાસને સ્વતંત્ર કરો!” 19બારાબાસને તો શહેરમાં એક હુલ્લડને કારણે અને ખૂન કરવાને લીધે જેલમાં પૂરવામાં આવ્યો હતો.
20પિલાત ઈસુને મુક્ત કરવા માગતો હતો, તેથી તેણે ફરીથી ટોળાને પૂછયું, પણ તેમણે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, “તેને ક્રૂસે જડો! ક્રૂસે જડો!
21પિલાતે તેમને ત્રીજી વાર કહ્યું, “પણ તેણે શો ગુનો કર્યો છે? મોતની સજા થાય તેવું મને તેનામાં કંઈ જણાતું નથી. 22એટલે હું તેને ચાબખા મરાવીને છોડી મૂકીશ.”
23પણ તેઓ સતત જોરજોરથી પોકારતા રહ્યા કે ઈસુને ક્રૂસે જડવામાં આવે, અને અંતે તેમના બૂમબરાડા ફાવ્યા. 24તેથી તેમની માગણી પ્રમાણે પિલાતે ઈસુને સજા ફરમાવી. 25હુલ્લડ તથા ખૂનને કારણે જેલમાં પૂરવામાં આવેલા બારાબાસને લોકોની માગણી મુજબ તેણે મુક્ત કર્યો, અને ઈસુને લોકોની ઇચ્છા પ્રમાણે કરવાને સોંપ્યા.
ઈસુને ક્રૂસે જડયા
(માથ. 27:32-44; માર્ક. 15:21-32; યોહા. 19:17-27)
26તેઓ ઈસુને લઈ ગયા. જતાં જતાં તેમને કુરેનીનો સિમોન મળ્યો. તે ગામડેથી શહેરમાં આવતો હતો. તેમણે તેને પકડયો, તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો અને ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું. 27તેમની પાછળ મોટું ટોળું જતું હતું; તેમનામાં ઈસુને માટે રડતીકકળતી કેટલીક સ્ત્રીઓ પણ હતી. 28ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડશો નહિ; બલ્કે, તમારે માટે અને તમારાં બાળકોને માટે રડો. 29કારણ, એવા દિવસો આવશે જ્યારે લોકો કહેશે, ‘જેમને કદી છોકરાં થયાં નથી, જેમણે કદી બાળકોને જન્મ આપ્યો નથી અને જેમણે તેમને સ્તનપાન કરાવ્યું નથી તેમને ધન્ય છે!’ 30ત્યારે લોકો પર્વતોને કહેશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને સંતાડો!’ 31કારણ, જો તેઓ લીલા વૃક્ષને આમ કરે છે, તો સૂકાને શું નહિ કરે?”
32તેમણે બીજા બે ગુનેગારોને પણ ઈસુની સાથે સાથે મારી નાખવા માટે લીધા હતા. 33ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, અને ત્યાં ઈસુને તેમજ બે ગુનેગારોને ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. 34ઈસુએ કહ્યું, “હે પિતા, આ લોકોને ક્ષમા કરો! પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.”
ચિઠ્ઠી નાખીને તેમણે તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં. 35લોકો ઊભા ઊભા નિહાળતા હતા, પણ યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી ઉડાવતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો તે ઈશ્વરે પસંદ કરેલ મસીહ હોય, તો પોતાને બચાવે!”
36સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી; તેમણે પાસે જઈને તેમને હલકો દારૂ આપ્યો 37અને કહ્યું, “જો તું યહૂદીઓનો રાજા હોય, તો પોતાને બચાવ!” 38કારણ, ઈસુના માથા આગળ ક્રૂસ ઉપર લેખ લખેલો હતો, “આ યહૂદિયાઓનો રાજા છે.”
39ક્રૂસે લટકાવેલા ગુનેગારોમાં એકે તેનું અપમાન કર્યું, “શું તુ મસીહ નથી! તો પોતાને તથા અમને પણ બચાવ!”
40પણ બીજાએ તેને ધમકાવીને કહ્યું, “તું ઈશ્વરથી પણ ડરતો નથી? આપણે બધા એક જ પ્રકારની સજા ભોગવી રહ્યા છીએ. 41છતાં આપણી સજા તો વાજબી છે, કારણ, આપણે જે કર્યું તેને ઘટતું ફળ ભોગવીએ છીએ; પણ તેમણે તો કંઈ જ ખોટું કર્યું નથી.” 42અને તેણે ઈસુને કહ્યું, “ઓ ઈસુ, તમે રાજા તરીકે આવો, ત્યારે મને યાદ કરજો.”
43ઈસુએ તેને કહ્યું, “હું તને સાચે જ કહું છું: તું આજે મારી સાથે પારાદૈસમાં#23:43 ઇરાની લોકોમાંથી ઊતરી આવેલો આનંદદાયક બગીચાનો વિચાર. હોઈશ.”
ઈસુનું અવસાન
(માથ. 27:45-56; માર્ક. 15:33-41; યોહા. 19:28-30)
44બપોરના લગભગ બાર વાગ્યા હતા, ત્યારે જ સૂર્ય પ્રકાશતો બંધ થઈ ગયો અને ત્રણ વાગ્યા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો. 45વળી, મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો. 46ઈસુએ મોટે સાદે બૂમ પાડી, “પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું!” એમ કહીને તે મરણ પામ્યા.
47જે બન્યું હતું તે જોઈને લશ્કરના અધિકારીએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, “ખરેખર, આ ન્યાયી માણસ હતો.”
48આ દૃશ્ય જોવા એકઠા મળેલા લોકો આ ઘટનાઓ જોઈને છાતી કૂટતા કૂટતા ઘેર ગયા. 49ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ તેમજ ઈસુના અંગત ઓળખીતાઓ થોડે દૂર ઊભાં હતાં, અને તેઓ આ બધું જોઈ રહ્યાં હતાં.
ઈસુનું દફન
(માથ. 27:57-61; માર્ક. 15:42-47; યોહા. 19:38-42)
50યહૂદીઓના શહેર આરીમથાઈનો યોસેફ નામે એક માણસ હતો. તે ભલો અને ધર્મિષ્ઠ હતો અને ઈશ્વરના રાજની વાટ જોતો હતો. 51યહૂદીઓની ન્યાયસભાનો સભ્ય હોવા છતાં તે તેમના નિર્ણય અને કાર્ય સાથે સંમત થયો ન હતો. 52તેણે પિલાત સમક્ષ જઈને ઈસુના શબની માગણી કરી. 53પછી તેણે શબ ઉતાર્યું અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રમાં વીટીંને ખડકમાં કોરી કાઢેલી અને વણવપરાયેલી કબરમાં મૂકાયું. 54તે દિવસ તૈયારીનો દિવસ હતો અને વિશ્રામવાર શરૂ થવામાં હતો.
55ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ યોસેફની સાથે ગઈ અને કબર તથા તેમાં ઈસુનું શબ કેવી રીતે મૂકવામાં આવ્યું હતું તે જોયું. 56પછી તેઓ પાછા ઘેર ગયાં અને મૃતદેહને માટે સુગંધી દ્રવ્યો તથા અત્તર તૈયાર કર્યાં.
નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે તેમણે આરામ કર્યો.

Aktuálne označené:

લૂક 23: GUJCL-BSI

Zvýraznenie

Zdieľať

Kopírovať

None

Chceš mať svoje zvýraznenia uložené vo všetkých zariadeniach? Zaregistruj sa alebo sa prihlás