Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

લૂક 8

8
1ત્યાર પછી ઈસુ શહેરમાં અને ગામડાંઓમાં ઈશ્વરના રાજ વિષેના શુભસંદેશનો પ્રચાર કરતા ફર્યા. બાર શિષ્યો તેમની સાથે ફરતા. 2કેટલીક સ્ત્રીઓ જેમને દુષ્ટાત્માઓથી અને રોગોમાંથી સાજી કરવામાં આવી હતી તેઓ પણ સાથે હતી. તેમનામાં, જેનામાંથી સાત અશુદ્ધ આત્માઓ કાઢવામાં આવ્યા હતા તે માગદાલાની મિર્યામ, 3હેરોદના કારભારી ખૂઝાની પત્ની, યોહાન્‍ના, સુસાન અને બીજી ઘણી સ્ત્રીઓ હતી. તેઓ પોતાની આવકમાંથી ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરતી હતી.
જેવી જમીન તેવો પાક
(માથ. 13:1-9; માર્ક. 4:1-9)
4ઘણાં શહેરોમાંથી લોકો ઈસુ પાસે આવવા લાગ્યા, અને મોટો સમુદાય એકત્ર થયો, ત્યારે ઈસુએ ઉદાહરણ કહ્યું, 5“વાવનાર બી વાવવા માટે ચાલી નીકળ્યો. ખેતરમાં બી વેરતાં કેટલાંક રસ્તા પર પડયાં, ત્યાં તે પગ નીચે કચડાઈ ગયાં અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. 6તેમાંના કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં, અને ફણગા તો ફૂટી નીકળ્યા, પણ જમીનમાં ભેજ ન હોવાથી સુકાઈ ગયાં. 7કેટલાંક બી કાંટાઝાંખરામાં પડયાં. છોડની સાથે કાંટાઝાંખરા પણ વયાં અને તેમણે છોડને દાબી દીધા. 8પરંતુ, કેટલાંક બી સારી જમીનમાં પડયાં; છોડ ઊગ્યા અને સારાં ફળ આવ્યાં, દરેક બીમાંથી સોગણા દાણા પાક્યા.”
ઈસુએ કહ્યું, “તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!”
9ઈસુના શિષ્યોએ તેમને એ ઉદાહરણનો અર્થ પૂછ્યો. 10ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન તમને અપાયેલું છે, પણ બાકીનાઓને તો તે ઉદાહરણરૂપે જ મળે છે; જેથી તેઓ જુએ પણ તેમને સૂઝે નહિ, અને સાંભળે, પણ સમજી શકે નહિ.
ઉદાહરણનો અર્થ
(માથ. 13:18-23; માર્ક. 4:13-20)
11“ઉદાહરણનો અર્થ આવો છે: બી તો ઈશ્વરનો સંદેશ છે. 12રસ્તે પડેલાં બી સંદેશ સાંભળનારાં માણસો સૂચવે છે. તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર ન પામે માટે શેતાન આવીને તેમનાં હૃદયોમાંથી સંદેશો લઈ જાય છે. 13ખડકાળ જમીન પર પડેલાં બી સંદેશો સાંભળીને તેને આનંદથી સ્વીકારી લેનાર માણસો સૂચવે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી; તેઓ થોડોક સમય વિશ્વાસ કરે છે, પછી ક્સોટીનો સમય આવતાં તેમનું પતન થાય છે. 14કાંટાઝાંખરામાં પડેલાં બી એવા લોકોનું સૂચન કરે છે કે જેઓ સાંભળે તો છે, પણ આ દુનિયાની ચિંતાઓ, સમૃદ્ધિ અને મોજશોખ તેમને ધીરેધીરે રૂંધી નાખે છે અને તેમનાં ફળ કદી પાક્ં થતાં નથી. 15સારી જમીનમાં પડેલાં બી એવા લોકોનું સૂચન કરે છે કે જેઓ સાચા અને નિખાલસ દિલે સંદેશો સાંભળે છે અને તેમને ફળ આવે ત્યાં સુધી ટકી રહે છે.
દીવાનું સ્થાન ક્યાં?
(માર્ક. 4:21-25)
16“દીવો સળગાવીને કોઈ તેને વાસણ નીચે ઢાંકતું નથી, અથવા ખાટલા નીચે મૂકતું નથી. એથી ઊલટું, તે તેને દીવી પર મૂકે છે, જેથી ઘરમાં આવનાર લોકો તેનો પ્રકાશ જોઈ શકે. 17જે કંઈ છૂપું છે તે પ્રગટ કરવામાં આવશે, અને જે ઢંક્યેલું છે તે શોધી કાઢવામાં આવશે, અને પ્રકાશમાં લાવવામાં આવશે.
18“તેથી તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધ રહો; કારણ, જેની પાસે કંઈક છે તેને વિશેષ અપાશે, ને જેની પાસે કંઈ નથી તેની પાસેથી જે થોડુંક તે પોતાનું હોવાનું ધારે છે તે પણ લઈ લેવાશે.”
ઈસુની માતા અને ભાઈઓ
(માથ. 12:46-50; માર્ક. 3:31-35)
19ઈસુનાં મા અને તેમના ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ ભીડને કારણે તેઓ તેમની પાસે જઈ શક્યાં નહિ. 20કોઈએ ઈસુને કહ્યું, “તમારાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માગે છે.”
21પણ ઈસુએ જવાબ આપ્યો, “જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને તેનું પાલન કરે છે તે જ મારાં મા અને ભાઈઓ છે.”
તોફાન અને શાંતિ
(માથ. 8:23-27; માર્ક. 4:35-41)
22એક દિવસ ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા અને તેમને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.” તેથી તેઓ ઊપડયા. 23તેઓ હોડીમાં જતા હતા એવામાં ઈસુ ઊંઘી ગયા. સરોવર પર સખત પવન ફુંકાવા લાગ્યો અને હોડી પાણીથી ભરાઈ જવા લાગી, અને તેથી તેમાં બેઠેલા સૌ મોટા જોખમમાં મુક્યા. 24શિષ્યોએ ઈસુની પાસે આવીને તેમને જગાડયા અને કહ્યું, “ગુરુજી, ગુરુજી, અમારું આવી બન્યું, અમે તો મરી ગયા!”
ઈસુએ ઊઠીને પવનને તેમજ ઊછળતાં મોજાંને આજ્ઞા કરી. તે બંધ થઈ ગયાં અને ગાઢ શાંતિ થઈ. 25પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ કયાં છે?”
પણ તે આશ્ર્વર્ય પામ્યા અને ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે? તે પવન તથા પાણીનાં મોજાંને હુકમ કરે છે, અને તેઓ તેમને આધીન પણ થાય છે!”
ઈસુ પાછા જાઓ
(માથ. 8:28-34; માર્ક. 5:1-20)
26તેઓ ગાલીલ પ્રદેશની સામે સરોવરને કિનારે આવેલા ગેરાસીનીઓના#8:26 ગેરેસા: અમુક હસ્તપ્રતોમાં ‘ગાડારા’ કે ‘ગેર્ગેસા’ તરીકે પણ ઉલ્લેખ છે. પ્રદેશમાં હંકારી ગયા. 27ઈસુ કિનારે ઊતર્યા કે તેમને દુષ્ટાત્માઓ વળગેલો નગરનો એક માણસ મળ્યો. લાંબા સમયથી તે કપડાં પહેરતો ન હતો અને ઘરમાં રહેતો ન હતો, પણ દફનાવવાની ગુફાઓમાં પડયો રહેતો. 28ઈસુને જોતાંની સાથે જ તેણે મોટો ઘાંટો પાડયો, તે તેમના પગ આગળ પડી ગયો, અને મોટે અવાજે બોલ્યો, “ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું લાગેવળગે? હું તમને આજીજી કરું છું કે મને પીડા ન દેશો!” 29તે એવું બોલ્યો, કારણ, ઈસુએ દુષ્ટાત્માને તે માણસમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. ઘણીવાર દુષ્ટાત્માએ એ માણસનો કબજો લીધો હતો, અને જોકે તે માણસને હાથેપગે સાંકળો અને બેડીઓથી બાંધીને પૂરી રાખવામાં આવતો હતો, તોપણ તે સાંકળો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને વેરાન પ્રદેશમાં દોરી જતો.
30ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે જવાબ આપ્યો, “મારું નામ સેના છે.” કારણ, તે માણસમાં ઘણા દુષ્ટાત્માઓ હતા. 31દુષ્ટાત્માઓએ ઈસુને આજીજી કરી કે, તમે અમને ઊંડાણમાં#8:31 ઊંડાણ: દુષ્ટાત્માઓને તેમના આખરી ન્યાય સુધી ભૂગર્ભ સ્થાનમાં કેદ કરી રખાય છે એવી માન્યતાનો અહીં ઉલ્લેખ છે. ન મોકલશો. 32પાસે જ ભૂંડોનું એક મોટું ટોળું પર્વત પર ચરતું હતું. એ ભૂંડોમાં પ્રવેશ કરવા દેવા દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી, એટલે તેમણે તેમને જવા દીધા. 33તેથી દુષ્ટાત્માઓ એ માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; આખું ટોળું ભેખડ પરથી સરોવરમાં ઢસડાઈ પડયું અને ડૂબી ગયું.
34જે કંઈ બન્યું તે જોઈને ભૂંડ ચરાવનારાઓ નાસી ગયા. તેમણે નગરમાં તથા પરામાં જઈને સમાચાર ફેલાવ્યા. જે થયું હતું તે જોવા લોકો નીકળી આવ્યા. 35તેઓ ઈસુ પાસે આવ્યા અને જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તેને ઈસુને ચરણે વસ્ત્ર પહેરીને સ્વસ્થ મને બેઠેલો જોયો; અને તેઓ બધા ભયભીત થયા. 36જેમણે એ જોયું હતું તેમણે તે માણસ કેવી રીતે સાજો થયો તે લોકોને કહી સંભળાવ્યું. 37પછી ગેરાસીનીઓના પ્રદેશના બધા લોકોએ ઈસુને ચાલ્યા જવા કહ્યું. કારણ, તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. તેથી ઈસુ હોડીમાં બેસીને પાછા જવા લાગ્યા. 38જેનામાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તે માણસે ઈસુને વિનંતી કરી, “મને તમારી સાથે આવવા દો.”
39પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું, “તારે ઘેર પાછો જા અને ઈશ્વરે તારે માટે જે કંઈ કર્યું છે તે બધું કહે.”
એ માણસ ગયો અને ઈસુએ તેને માટે જે કર્યું હતું તે આખા નગરમાં કહેતો કર્યો.
અધિકારીની પુત્રી અને રક્તસ્રાવી સ્ત્રી
(માથ. 9:18-26; માર્ક. 5:21-43)
40ઈસુ સરોવરને બીજે કિનારે પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો સત્કાર કર્યો. કારણ, તેઓ બધા તેમની રાહ જોતા હતા. 41તે વખતે યાઇરસ નામનો એક માણસ, જે સ્થાનિક ભજનસ્થાનનો અધિકારી હતો, તે આવ્યો. તે ઈસુના ચરણે નમી પડયો અને તેમને પોતાને ઘેર આવવા વિનંતી કરી. 42કારણ, બાર વર્ષની ઉંમરની તેની એકની એક દીકરી મરવાની અણી પર હતી.
ઈસુ જતા હતા ત્યારે ચારે બાજુ લોકોની ભારે પડાપડી હતી. 43ત્યાં એક સ્ત્રી હતી. તે બાર વર્ષથી રક્તસ્રાવના રોગથી પીડાતી હતી. તેણે સારવાર માટે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, પણ કોઈ તેને સાજી કરી શકાયું ન હતું. 44તે ભીડમાં ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કિનારીને અડકી, એટલે તરત જ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો. 45ઈસુએ પૂછયું, “મને કોણ અડકાયું?”
બધાંએ કહ્યું કે અમે નથી અડક્યાં. પિતરે કહ્યું, “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે!”
46પણ ઈસુએ કહ્યું, “મને કોઈ અડકાયું છે. કારણ, મારામાંથી સામર્થ્ય નીકળ્યાની મને ખબર પડી છે.” 47સ્ત્રીએ જોયું કે તે પકડાઈ ગઈ છે, તેથી તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને ઈસુને ચરણે નમી પડી. તે તેમને શા માટે અડકી હતી અને પોતે કેવી રીતે તરત જ સાજી થઈ ગઈ તે અંગે ત્યાં બધાની સમક્ષ તેણે ઈસુને બધું કહી દીધું. 48ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને કારણે તું સાજી થઈ છે. શાંતિથી જા.”
ઈસુ બોલતા હતા એવામાં અધિકારીના ઘેરથી એક માણસ આવ્યો. 49તેણે યાઇરસને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે; હવે ગુરુજીને વધારે તસ્દી આપશો નહીં.”
50એ સાંભળીને ઈસુએ યાઇરસને કહ્યું, “ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ; એટલે તે જીવતી થશે.”
51તે ઘેર આવી પહોંચ્યા ત્યારે તેમણે પિતર, યોહાન અને યાકોબ, તથા છોકરીનાં માતાપિતા સિવાય કોઈને પોતાની સાથે અંદર આવવા દીધાં નહિ. 52બધાં ત્યાં છોકરી પાછળ રોતાં કકળતાં હતાં. ઈસુએ કહ્યું, “રડશો નહિ, છોકરી મરણ પામી નથી, પણ ઊંઘી ગઈ છે.”
53તેમણે તેમને હસી કાઢયા. કારણ, તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઈ છે. 54પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને તેને હાંક મારી, “છોકરી, ઊઠ!” તે જીવતી થઈ અને તરત જ ઊભી થઈ. 55ઈસુએ તેને કંઈક ખાવાનું આપવા તેમને આજ્ઞા કરી. 56તેના માતાપિતા તો આભાં જ બની ગયાં, પણ ઈસુએ તેમને જે બન્યું હતું તે જાહેર ન કરવાની આજ્ઞા કરી.

Zvasarudzwa nguva ino

લૂક 8: GUJCL-BSI

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda