ઉત્પ 26
26
ઇસહાક ગેરારમાં
1હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.
2ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “તું મિસરમાં ન જતો; જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે. 3આ દેશમાં તું પ્રવાસી થઈને રહે, હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારા વંશજોને હું આ આખો દેશ આપીશ અને તારા પિતા ઇબ્રાહિમની આગળ મેં જે સોગન લીધા છે તે હું પૂરા કરીશ.
4હું તારા વંશજોને વધારીને આકાશના તારાઓ જેટલા કરીશ અને આ સર્વ પ્રદેશો હું તારા વંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે. 5હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે.”
6તેથી ઇસહાક ગેરારમાં રહ્યો. 7જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “તે મારી બહેન છે.” કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી.” 8પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની રિબકાને લાડ કરતો હતા.
9અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, “જો, તે નિશ્ચે તારી પત્ની છે. તો પછી તું એમ કેમ બોલ્યો કે, ‘તે મારી બહેન છે?’ ઇસહાકે તેને કહ્યું, “મેં એવું વિચારેલું કે તેને પડાવી લેવા માટે કદાચ મને કોઈ મારી નાખે.” 10અબીમેલેખે કહ્યું, “તેં આ અમને શું કર્યું છે? લોકોમાંથી કોઈપણ એક જણે તારી પત્ની સાથે સંબંધ બાંધ્યો હોત અને એવું કર્યાને લીધે તેં અમારી પાસે અપરાધ કરાવ્યો હોત.” 11તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, “આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે.”
12ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો. 13તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો. 14તેની પાસે ઘણાં ઘેટાં તથા અન્ય જાનવર થયાં અને તેનું કુટુંબ પણ મોટું થયું. તેથી પલિસ્તીઓને તેના પ્રત્યે અદેખાઈ થઈ.
15તેથી તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં જે સર્વ કૂવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા. 16અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમારી પાસેથી દૂર જા, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે.” 17તેથી ઇસહાક ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં જઈને વસ્યો.
18તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પલિસ્તીઓએ પૂરી દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં.
19જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો. 20“એ પાણી અમારું છે” એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઝઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે “એસેક#26:20 એસેક ઝઘડાખોર” રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઝઘડ્યા હતા.
21પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ “સિટના#26:21 સિટના દુશ્મન બનવું” એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું. 22ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઝઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ#26:22 રહોબોથ મોટી જગ્યા રાખ્યું જેનો અર્થ એ છે કે, ‘હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.”
23પછી ઇસહાક ત્યાંથી બેરશેબા ગયો. 24તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ.” 25ઇસહાકે ત્યાં વેદી બાંધી અને ઈશ્વર સાથે વાત કરી. ત્યાં તેણે તેનો તંબુ બાંધ્યો અને તેના દાસોએ એક કૂવો ખોદ્યો.
ઇસહાક અને અબીમેલેખ વચ્ચે સંધિ
26પછી અબીમેલેખ ગેરારથી તેના મિત્ર અહુઝઝાથ તથા તેના સેનાપતિ ફીકોલ સાથે ઇસહાકની પાસે આવ્યો. 27ઇસહાકે તેઓને કહ્યું, “તમે મને નફરત કરો છો અને તમારી પાસેથી મને દૂર મોકલી દીધો છે છતાં તમે મારી પાસે કેમ આવ્યા છો?”
28તેઓએ કહ્યું, “અમે સ્પષ્ટ રીતે જોયું છે કે ઈશ્વર તારી સાથે છે. તેથી અમે નક્કી કર્યું કે, આપણી વચ્ચે, હા, તારી તથા અમારી વચ્ચે પ્રતિજ્ઞા કરવામાં આવે અને અમે તારી સાથે કરાર કરીએ, 29જેમ અમે તારું નુકસાન કર્યું નથી, તારી સાથે સારો વ્યવહાર કર્યો છે અને શાંતિથી તને વિદાય કર્યો, તેમ તું અમારું નુકસાન ન કર. નિશ્ચે, તું ઈશ્વરથી આશીર્વાદિત છે.”
30તેથી ઇસહાકે તેઓને સારુ મિજબાની કરી, તેઓ જમ્યા અને દ્રાક્ષાસવ પીધો. 31તેઓએ વહેલી સવારે ઊઠીને એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. પછી ઇસહાકે તેઓને વિદાય કર્યા અને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા.
32તે જ દિવસે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.” 33તેણે કૂવાનું નામ શિબા#26:33 શિબા સમ ખાવું રાખ્યુ, તેથી આજ સુધી તે નગરનું નામ બેરશેબા છે.
એસાવની હિત્તી પત્નીઓ
34જયારે એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બેરીની દીકરી યહૂદીથ તથા હિત્તી એલોનની દીકરી બાસમાથ સાથે લગ્ન કર્યા. 35પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.
موجودہ انتخاب:
ઉત્પ 26: IRVGuj
سرخی
شئیر
کاپی

کیا آپ جاہتے ہیں کہ آپ کی سرکیاں آپ کی devices پر محفوظ ہوں؟ Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.