યોહાન 4

4
ઈસુ અને સમરૂની સ્‍ત્રી
1હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે. 2(ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા), એ પ્રભુએ જાણ્યું, 3ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા. 4સમરૂનમાં થઈને તેમને જવું પડયું.
5માટે #ઉત. ૩૩:૧૯; યહો. ૨૪:૩૨. જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સૂખાર નામે એક શહેર આગળ તે આવે છે. 6ત્યાં યાકૂબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલા હોવાથી કૂવા પર એવા ને એવા જ બેઠા. તે સમયે આશરે બપોર થયા હતા.
7એક સમરૂની સ્‍ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે, “મને પાણી પા.” 8(તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.)
9ત્યારે તે સમરૂની સ્‍ત્રી તેમને કહે છે, “હું સમરૂની સ્‍ત્રી છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?” #એઝ. ૪:૧-૫; નહે. ૪:૧-૨. (કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.)
10ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.”
11સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ, તમારી પાસે [પાણી] કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે! તો તે જીવતું પાણી તમારી પાસે કયાંથી હોય? 12અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો, અને પોતે, તેમનાં છોકરાંએ તથા ઢોરોએ એમાંનું પીધું, તેમના કરતાં શું તમે મોટા છો?”
13ઈસુએ તેને કહ્યું, “જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે; 14પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.”
15સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.” 16ઈસુ તેને કહે છે, “જા, તારા પતિને અહીં તેડી લાવ.” 17સ્‍ત્રીએ તેમને કહ્યું, “મારે પતિ નથી.” 18ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘મારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી, એ તેં ખરું કહ્યું.” 19સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે. 20અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.”
21ઈસુ તેને કહે છે, “બાઈ, મારું માન; એવો સમય આવે છે કે જયારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહિ કરશો. 22જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ! કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. 23પણ એવો સમય આવે છે, અને હાલ આવ્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે. 24ઈશ્વર આત્મા છે; અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્‍માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.” 25સ્‍ત્રી તેમને કહે છે, “મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.” 26ઈસુ તેને કહે છે, “તારી સાથે જે બોલે છે તે હું તે છું.”
27એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને સ્‍ત્રીની સાથે તે વાત કરતા હતા માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તોપણ તમે શું ચાહો છો, અથવા તેની સાથે તમે શા માટે વાત કરો છો, એમ કોઈએ પૂછયું નહિ.
28ત્યારે તે સ્‍ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ, અને લોકોને કહે છે, 29“આવો, જેટલું મેં કર્યું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?” 30તેઓ શહેરમાંથી નીકળીને તેમની પાસે આવવા લાગ્યા.
31તેટલામાં શિષ્યોએ તેમને વિનંતી કરી, “રાબ્બી, જમો.” 32પણ તેમણે તેઓને કહ્યું, “મારી પાસે ખાવાનું અન્‍ન છે કે જે વિષે તમને ખબર નથી.” 33માટે શિષ્યોએ અંદરોઅંદર કહ્યું, “એમને માટે શું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે?” 34ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્‍ન છે. 35તમે શું નથી કહેતા કે ચાર મહિના પછી ફસલ આવશે? જુઓ, હું તમને કહું છું કે, તમારી નજર ઊંચી કરીને ખેતરો જુઓ કે, તેઓ કાપણીને માટે પાકી ચૂકયાં છે. 36જે કાપે છે તે પગાર પામે છે, અને અનંતજીવનદાયક ફળનો સંગ્રહ કરે છે; તેથી વાવનાર અને કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે. 37કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે, ‘એક વાવે અને બીજો કાપે છે.’ 38જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે, અને તેઓની મહેનતમાં તમે પ્રવેશ્યા છો.”
39જે સ્‍ત્રીએ સાક્ષી આપી કે, “જેટલું મેં કર્યું તે બધું તેમણે મને કહી બતાવ્યું, ” તેની વાતથી તે શહેરના ઘણા સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કર્યો. 40માટે સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, “તમે અમારી સાથે રહો”; અને બે દિવસ સુધી તે‍ ત્યાં રહ્યા. 41તેમની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો; 42તેઓએ તે સ્‍ત્રીને કહ્યું, “હવે અમે [એકલા] તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચે એ જ છે.”
અધિકારીનો દીકરો સાજો થયો
43એ બે દિવસ પછી તે‍ ત્યાંથી નીકળીને ગાલીલમાં ગયા. 44કેમ કે #માથ. ૧૩:૫૭; માર્ક ૬:૪; લૂ. ૪:૨૪. ઈસુએ પોતે સાક્ષી આપી કે, “પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી.” 45હવે તે ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો અંગીકાર કર્યો; કેમ કે #યોહ. ૨:૨૩. જે કામ તેમણે યરુશાલેમમાં પર્વને સમયે કર્યાં હતાં, તે બધાં તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
46ગાલીલમાંનું કાના, #યોહ. ૨:૧-૧૧. જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં તે ફરી આવ્યા. ત્યાં એક અમીર હતો, તેનો દીકરો કપર-નાહૂમમાં માંદો હતો. 47તેણે સાંભળ્યું કે, ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, “આવીને મારા દીકરાને સાજો કરો.” કેમ કે તે મરવાની અણી પર હતો. 48ત્યારે ઈસુએ તેને કહ્યું, “ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્ચાસ કરવાના નથી.” 49અમીર તેમને કહે છે, “પ્રભુ, મારા દીકરાના મરવા અગાઉ આવો.” 50ઈસુ તેને કહે છે, “ચાલ્યો જા; તારો દીકરો જીવતો રહ્યો છે.” જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. 51તે ચાલ્યો જતો હતો, એટલામાં તેના ચાકરો તેને સામા મળ્યા, તેઓએ તેને કહ્યું, “તમારો દીકરો જીવી ગયો છે.” 52તેણે તેઓને પૂછયું, “કઈ ઘડીએ તે સાજો થવા લાગ્યો?” ત્યારે તેઓએ તેને કહ્યું, કાલે બપોર પછી એક વાગે તેનો તાવ જતો રહ્યો.” 53એથી પિતાએ જાણ્યું કે, જે ઘડીએ ઈસુએ મને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ ઘડીએ એ થયું;” અને તેણે પોતે તથા તેના ઘરનાં બધાંએ વિશ્વાસ કર્યો. 54ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજો ચમત્કાર કર્યો.

Ekhethiweyo ngoku:

યોહાન 4: GUJOVBSI

Qaqambisa

Yabelana

Kopa

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena

IziCwangciso zokuFunda zasimahla kunye nokuzinikela okunxulumene ne યોહાન 4

I-YouVersion isebenzisa ii cookies ukwenza amava akho abe ngawe. Ngokusebenzisa i-website yethu, uyakwamkela ukusebenzisa kwethu ii cookies njengoko kuchaziwe kuMgaqo-nkqubo wethu