યોહાન પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
યોહાનની લખેલી સુવાર્તા ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના સનાતન શબ્દ તરીકે રજૂ કરે છે, અને બતાવે છે આ “શબ્દ સદેહ બનીને આપણી મધ્યે વસ્યા.” જેમ આ પુસ્તકમાં જ લખવામાં આવ્યું છે તેમ, આ સુવાર્તા લખવાનો હેતુ એ હતો કે, ઈસુ ખ્રિસ્ત જ ઈશ્વરપુત્ર છે, અને જે ત્રાતા સંબંધી વચન આપવામાં આવ્યું હતું તે એ જ છે, અને તેમના પર વિશ્વાસ કરવાથી લોકોને ઉદ્ધાર મળી શકે છે. (૨૦:૩૧)
શરૂઆતની પ્રસ્તાવના ઈસુ તે જ ઈશ્વરનો સનાતન શબ્દ છે એમ બતાવે છે, અને ત્યાર પછીના આપેલા ચમત્કારો એમ બતાવે છે કે ઈસુ તે જ જેમના વિષે વચન અપાએલું હતું તે ત્રાતા, અને ઈશ્વરપુત્ર છે. પુસ્તકના એ પહેલા ભાગ પછી ઈસુનાં કેટલાંક બોધવચનો અને સંભાષણો આપવામાં આવ્યાં છે, અને ઈસુના ઉપર જણાવેલા ચમત્કારોમાં શું પ્રગટ કરવામાં આવ્યું છે તે એમાં સમજાવ્યું છે. પુસ્તકના આ ભાગમાં આપવામાં આવ્યું છે કે કેટલાક લોકોએ ઈસુ પર વિશ્વાસ મૂક્યો અને તેમની પાછળ ચાલનાર બન્યા, જ્યારે બીજા કેટલાકે ઈસુ પર વિશ્વાસ ન કર્યો, તેમનો વિરોધ કર્યો, અને વિશ્વાસ કરવાની સાફ ના પાડી. ૧૩ થી ૧૭ અધ્યાયોમાં પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા તે રાતે ઈસુ પોતાના શિષ્યો સાથે જે સંગત દાખવે છે. તે સંબંધી બહુ લંબાણથી લખવામાં આવ્યું છે; એટલું જ નહિ, પણ ક્રૂસારોહણ અગાઉની આ રાતે ઈસુએ પોતાનાં વચનો દ્રારા શિષ્યોને દિલાસો આપ્યો, પ્રેરણા આપી, અને તૈયાર કર્યા તે આપવામાં આવ્યું છે. સુવાર્તાના છેલ્લા અધ્યાયોમાં ઈસુની ધર૫કડ, તેમની ન્યાયતપાસ, એમનું ક્રૂસારોહણ, અને સજીવન થવું, તેમ જ સજીવન થયા પછી પોતાના શિષ્યોને આપેલાં દર્શન એ બધું આપવામાં આવ્યું છે.
વ્યભિચારમાં પકડાયેલી સ્‍ત્રીની વાતને (૮:૧-૧૧) ખાસ પ્રકારના ચોરસ કૌંસમાં મૂકવામાં આવી છે, કારણ ઘણા હસ્તલેખોમાં અને શરૂઆતના તરજુમાઓમાં એ વાત આપવામાં આવી નથી, જ્યારે કેટલાક હસ્તલેખોમાં અને તરજુમાઓમાં એ આપવામાં આવી છે.
ખ્રિસ્ત દ્વારા મળતા અનંતકાળિક જીવનના દાન ઉપર સુવાર્તાનો લેખક યોહાન ભાર મૂકે છે, અને બતાવે છે કે આ દાન હાલ જ અત્યારે જ શરૂ થાય છે, અને જે લોકો ઈસુને રસ્તો, સત્ય અને જીવન જાણીને તેમનો સ્વીકાર કરે છે તેમને આ અનંતજીવન મળે છે. યોહાનની ખાસ તરી આવતી લાક્ષણિકતા એ છે કે તે દરરોજના જીવનની સામાન્ય બાબતો લઈને એમાં સાંકેતિક પ્રતીકો રજૂ કરીને તે દ્વારા આત્મિક સત્યો સમજાવે છે, દાખલા તરીકે પાણી, રોટલી, અજવાળું, ઘેટાંપાળક અને એનાં ઘેટાં, અને દ્રાક્ષવેલો તથા એનાં ફળ.
રૂપરેખા :
પ્રસ્તાવના ૧:૧-૧૮
યોહાન બાપ્તિસ્ત અને ઈસુના પ્રથમ શિષ્યો ૧:૧૯-૫૧
ઈસુની જાહેર ધર્મસેવા ૨:૧-૧૨:૫૦
યરુશાલેમ અને તેની આસપાસમાં ઈસુના છેલ્લા દિવસો ૧૩:૧-૧૯:૪૨
ઈસુનું સજીવન થવું અને શિષ્યોને આપેલાં દર્શન ૨૦:૧–૩૧
ઉપસંહાર રૂપ ભાગ:ગાલીલમાં બીજું એક દર્શન ૨૧:૧-૨૫

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录