લૂક 18

18
ઈશ્વરથી ન ડરતા ન્યાયાધીશ અને વિધવાનું દ્દષ્ટાંત (સર્વદા પ્રાર્થના કરવી)
1સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું, 2“એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, તે ઈશ્વરથી બીતો નહોતો, તેમ જ માણસને ગણકારતો નહોતો! 3તે શહેરમાં એક વિધવા હતી. તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે, મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવો.’ 4કેટલીક મુદત સુધી તે [એમ કરવા] ઇચ્છતો ન હતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે, ‘જો કે હું ઇશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી. 5તોપણ આ વિધવા મને તસ્દી દે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, રખેને તે વારેઘડીએ આવીને મને થકવે.’”
6પ્રભુએ કહ્યું, “તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે, જેઓ તેમને રાતદિવસ વીનવે છે, અને જેઓના વિષે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહિ આપશે? 8હું તમને કહું છું કે તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે શું!”
પ્રાર્થના કરતા ફરોશી અને જકાતદારનું દ્દષ્ટાંત
9કેટલાક પોતાના વિષે અભિમાન રાખતા હતા કે, “અમે ન્યાયી છીએ’, ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેમણે આ દ્દષ્ટાંત કહ્યું, 10“બે માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એક ફરોશી અને બીજો જકાતદાર. 11ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદારના જેવો હું નથી, માટે હું તમારી આભારસ્તુતિ કરું છું. 12અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દશમો ભાગ આપું છું’ 13પણ જકાતદરે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કૂટીને કહ્યું, ‘ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો.’ 14હું તમને કહું છું કે, પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે #માથ. ૨૩:૧૨; લૂ. ૧૪:૧૧. જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”
નાનાં બાળકોને આશીર્વાદ
(માથ. ૧૯:૧૩-૧૫; માર્ક ૧૦:૧૩-૧૬)
15તેઓ તેમની પાસે પોતાનાં બાળકોને પણ લાવ્યા કે, તે તેઓને સ્પર્શ કરે. પણ શિષ્યોએ તે જોઈને તેઓને ધમકાવ્યા. 16પરંતુ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને અટકાવો નહિ. કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે. 17હું તમને સાચે જ કહું છું કે, જે કોઈ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે, તે તેમાં નહિ જ પેસશે.”
પાછો જતો રહેલો શ્રીમંત યુવાન
(માથ. ૧૯:૧૬-૩૦; માર્ક ૧૦:૧૩-૩૧)
18એક અધિકારીએ તેમને પૂછ્યું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવાને હું શું કરું?”
19ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર, વિના ઉત્તમ કોઈ નથી. 20તું આજ્ઞાઓ જાણે છે કે, #નિ. ૨૦:૧૪; પુન. ૫:૧૮. વ્યભિચાર ન કર, #નિ. ૨૦:૧૩; પુન. ૫:૧૭. હત્યા ન કર, #નિ. ૨૦:૧૫; પુન. ૫:૧૯. ચોરી ન કર, #નિ. ૨૦:૧૬; પુન. ૫:૨૦. જૂઠી સાક્ષી ન પૂર, #નિ. ૨૦:૧૨; પુન. ૫:૧૬. પોતાનાં માતપિતાને માન આપ.” 21તેણે કહ્યું, “એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.” 22એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે. અને પછી મારી પાછળ ચાલ.” 23પણ એ સાંભળીને તે બહુ ઉદાસ થયો, કેમ કે તે બહુ શ્રીમંત હતો.
24ઈસુએ તેના પર જોઈને કહ્યું, “જેઓની પાસે સંપત્તિ છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું, કેવું અઘરું છે! 25કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પેસવું, તે કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે.” 26તે વાત સાંભળનારાઓએ પૂછ્યું, “તો કોણ તારણ પામી શકે?” 27પણ તેમણે કહ્યું, “માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.” 28પિતરે કહ્યું, “જુઓ, અમે પોતાનું [બધું] મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.” 29તેમણે તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે, જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માતાપિતાને કે છોકરાંને, ઈશ્વરના રાજ્યને લીધે મૂક્યાં હશે, 30તે આ કાળમાં બહુગણું તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વિના રહેશે નહિ.”
ઈસુએ ત્રીજી વખત પોતાના મૃત્યુની આગાહી કરી
(માથ. ૨૦:૧૭-૧૯; માર્ક ૧૦:૩૨-૩૪)
31તેમણે બારેય [શિષ્યો] ને પાસે બોલાવીને કહ્યું, “જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોએ જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે. 32કેમ કે વિદેશીઓના હાથમાં સ્વાધીન કરવામાં આવશે; તેની મશ્કરી તથા અપમાન કરવામાં આવશે, અને તેના પર તેઓ થૂંકશે. 33વળી કોરડા મારીને તેઓ તેને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે સજીવન થઈ ઊઠશે.”
34પણ એમાંનું કંઈ પણ તેઓના સમજવામાં આવ્યું નહિ. આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
ઈસુ યરીખોના અંધ ભિખારીને દેખતો કરે છે
(માથ. ૨૦:૨૯-૩૪; માર્ક ૧૦:૪૬-૫૨)
35તે યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની કોરે ભીખ માગતો એક આંધળો બેઠેલો હતો. 36ઘણા લોકોને પાસે થઈને જતા સાંભળીને તેણે પૂછ્યું, “આ શું હશે?” 37તેઓએ તેને કહ્યું, “ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.” 38તેણે બૂમ પાડીને કહ્યું, “ઓ ઈસુ, દાઉદપુત્ર, મારા પર દયા કરો.” 39જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો કે, “છાનો રહે;” પણ તેણે વિશેષ ઘાંટો પાડીને કહ્યું, “દાઉદપુત્ર, મારા પર દયા કરો.”
40ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવનો હુકમ કર્યો. અને તે પાસે આવ્યો, ત્યારે તેમણે તેને પૂછ્યું, 41“હું તારે માટે શું કરું, તારી શી ઇચ્છા છે?” તેણે કહ્યું, પ્રભુ, હું દેખતો થાઉં.” 42ઈસુએ તેને કહ્યું, “તું દેખતો થા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.” 43તરત તે દેખતો થયો, અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરતો તે તેમની પાછળ ચાલ્યો; તે જોઈને બધા લોકોએ ઈશ્વરની આભારસ્તુતિ કરી.

目前选定:

લૂક 18: GUJOVBSI

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录

YouVersion 使用 cookie 来个性化你的体验。使用我们的网站,即表示你同意我们根据我们的隐私政策来使用 cookie。