યોહાન 10
10
ઘેટાં અને ઘેટાંપાળક
1હું તમને ખચીત ખચીત કહું છું, “જે બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે. 2પણ બારણામાંથી જે પેસે છે, તે ઘેટાંપાળક છે. 3દરવાન તેને માટે ઉઘાડે છે અને ઘેટાં તેનો સાદ સાંભળે છે, અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે, અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. 4જ્યારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર કાઢે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે, અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. 5પણ અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે, કેમ કે અજાણ્યાઓનો સાદ તેઓ ઓળખતાં નથી.” 6ઈસુએ તેઓને એ દ્દષ્ટાંત ક્હ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
ઈસુ ઉત્તમ ઘેટાંપાળક
7તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઘેટાંનું બારણું હું છું. 8જેટલા મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે! પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ. 9હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે, તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ચરવાનું મળશે. 10ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
11હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે. 12જે ચાકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો ધણી નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે! પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે. 13[તે નાસી જાય છે,] કેમ કે તે ચાકર છે, અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી. 14હું ઉત્તમ ઘેટાંપાળક છું; અને પોતાનાંને ઓળખું છું, 15અને #માથ. ૧૧:૨૭; લૂ. ૧૦:૨૨. જેમ પિતા મને ઓળખે છે, અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું. 16મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર છે, અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
17પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. 18કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે, અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે.”
19આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી પક્ષ પડયા. 20તેઓમાંના ઘણાએ કહ્યું, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે, અને તે પાગલ છે. તમે તેનું કેમ સાંભળો છો?” 21બીજાઓએ કહ્યું, “અશુદ્ધ આત્મા વળગેલા માણસની એ વાતો નથી. શું અશુદ્ધ આત્મા આંધળાઓની આંખો ઉઘાડી શકે છે?”
ઈસુનો અસ્વીકાર
22હવે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ હતું. અને તે વખતે શિયાળો હતો. 23ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા. 24ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.”
25ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં તો તમને કહ્યું, પણ તમે માનતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે. 26પણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાંમાંના નથી. 27મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. 28હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. 29મારા પિતા, જેમણે મને [તેઓને] આપ્યાં છે, તે સહુથી મોટા છે; અને પિતાના હાથમાંથી કોઈ [તેઓને] છીનવી લેવા સમર્થ નથી. 30હું તથા પિતા એક છીએ.”
31[ત્યારે] યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. 32ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?” 33યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, #લે. ૨૪:૧૬. “કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વરનિંદાને લીધે! અને તું માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે, તેને લીધે.”
34ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, #ગી.શા. ૮૨:૬. “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એમ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? 35જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (અને શાસ્ત્રનો ભંગ થતો નથી), 36તો જેને પિતાએ અભિષિક્ત કરીને જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેને એમ કહો છો કે તું ઈશ્વરનિંદા કરે છે? 37જો હું મારા પિતાનાં કામ નથી કરતો, તો મારા પર વિશ્વાસ ન કરો. 38પણ જો હું કરું છું, તો જો કે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો, જેથી તમે જાણો ને સમજો કે, પિતા મારામાં છે, અને હું પિતામાં છું. 39[ત્યારે] તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે તેઓના હાથમાંથી નીકળી ગયા.
40પછી યર્દનને પેલે પાર, #યોહ. ૧:૨૮. જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, તે સ્થળે તે પાછા ગયા, અને ત્યાં રહ્યા. 41ઘણા તેમની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “યોહાને કંઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું ખરું હતું. 42અને ત્યાં ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.
Zvasarudzwa nguva ino
યોહાન 10: GUJOVBSI
Sarudza vhesi
Pakurirana nevamwe
Sarudza zvinyorwa izvi

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.