Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

લૂક 7

7
રોમન સૂબેદારનો નોકર સાજો થયો
(માથ. 8:5-13)
1લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહૂમમાં આવ્યા. 2ત્યાં એક રોમન સૂબેદારનો નોકર બીમાર હતો અને મરવાની અણી પર હતો. એ નોકર તેને ઘણો પ્રિય હતો. 3સૂબેદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી આગેવાનોને ઈસુ પાસે વિનંતી કરવા મોકલ્યા કે જેથી તે આવીને તેના નોકરને સાજો કરે. 4તેમણે ઈસુ પાસે આવીને તેમને કરગરીને કહ્યું, “આ માણસને તમારે મદદ કરવા જેવી છે. 5તે આપણા લોકોને ચાહે છે અને આપણે માટે તેણે પોતે એક ભજનસ્થાન બંધાવી આપ્યું છે.”
6તેથી ઈસુ તેમની સાથે ગયા. તે ઘેરથી થોડે જ દૂર હતા એવામાં સૂબેદારે પોતાના મિત્રોને તેમની પાસે કહેવા મોકલ્યા, “સાહેબ, તસ્દી લેશો નહિ. તમે મારા ઘરમાં આવો તેને હું યોગ્ય નથી. 7તેમ જ તમારી પાસે આવવા મેં પણ પોતાને યોગ્ય ગણ્યો નથી. તમે ફક્ત આજ્ઞા કરો એટલે મારો નોકર સાજો થઈ જશે. 8મારી ઉપર પણ અધિકારીઓ સત્તા ધરાવે છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. હું એકને આજ્ઞા કરું છું, ‘જા,’ એટલે તે જાય છે, બીજાને આજ્ઞા કરું છું, ‘આમ કર,’ એટલે તે તેમ કરે છે.”
9એ સાંભળીને ઈસુ આશ્ર્વર્ય પામ્યા. તેમણે ટોળા તરફ ફરીને કહ્યું, “હું તમને કહું છું કે આવો વિશ્વાસ મને ઇઝરાયલમાં પણ જોવા મળ્યો નથી!”
10સંદેશકો સૂબેદારના ઘેર પાછા ગયા અને તેમણે નોકરને સાજો થઈ ગયેલો જોયો.
વિધવાનો પુત્ર જીવતો કરાયો
11થોડા સમય પછી#7:11 કેટલીક હસ્તપ્રત પ્રમાણે: ‘બીજે દિવસે’ ઈસુ નાઈન નામના નગરમાં ગયા; તેમના શિષ્યો અને ઘણા લોકો પણ તેમની સાથે ગયા. 12તે નગરના દરવાજે આવી પહોંચ્યા. તેમણે જોયું કે એક મૃત માણસને ઊંચકીને લોકો બહાર લઈ જતા હતા. 13એ મૃત્યુ પામેલો માણસ એક વિધવાનો એકનોએક પુત્ર હતો; તેથી નગરજનોનું મોટું ટોળું વિધવાની સાથે જોડાયું હતું. 14વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “વિલાપ ન કર.” પછી તે જઈને શબવાહિનીને અડક્યા, એટલે ઊંચકનારા માણસો થંભી ગયા. 15ઈસુએ કહ્યું, “યુવાન! હું તને કહું છું, ઊઠ!” પેલો મૃત માણસ બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
16બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “આપણી વચ્ચે એક મોટા સંદેશવાહક ઊભા થયા છે, અને ઈશ્વરે પોતાની પ્રજા પર કૃપાદૃષ્ટિ કરી છે.”
17ઈસુ વિષેની આ વાત સમગ્ર યહૂદિયામાં અને આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
બાપ્તિસ્મા કરનાર યોહાનના સંદેશકો
(માથ. 11:2-19)
18યોહાનના શિષ્યોએ તેને આ બધી બાબતો વિષે વાત કરી. તેણે પોતાના બે શિષ્યોને બોલાવીને તેમને પ્રભુ પાસે પૂછપરછ કરવા મોકલ્યા: 19“જેમનું આગમન થવાનું છે તે તમે જ છો, કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”
20તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને અમને પૂછવા મોકલ્યા છે કે જેમનું આગમન થવાનું હતું તે તમે જ છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”
21એ જ સમયે ઈસુ ઘણા લોકોને જાતજાતના રોગ અને દર્દથી તેમજ દુષ્ટાત્માઓ કાઢીને સાજા કરતા હતા, તથા ઘણા આંધળા માણસોને દેખતા કરતા હતા. 22તેમણે યોહાનના સંદેશકોને જવાબ આપ્યો, “જાઓ, અને તમે જે જે જોયું તથા સાંભળ્યું છે તે યોહાનને જણાવો: આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે, અને ગરીબોને શુભસંદેશ પ્રગટ કરવામાં આવે છે. 23જે મારા વિશે શંકાશીલ નથી તેને ધન્ય છે!”
24યોહાનના સંદેશકોના ગયા પછી ઈસુ લોકોને યોહાન સંબંધી કહેવા લાગ્યા, “તમે યોહાન પાસે વેરાન પ્રદેશમાં ગયા, ત્યારે તમે શું જોવાની અપેક્ષા રાખતા હતા? 25પવનથી હાલતું ઘાસનું તરણું? તમે શું જોવા ગયા હતા? ભપકાદાર વસ્ત્ર પહેરેલો માણસ? ખરી રીતે તો જેઓ એવાં વસ્ત્ર પહેરે છે અને મોજશોખમાં રહે છે તેઓ તો રાજમહેલમાં હોય છે. 26તો મને કહો, તમે શું જોવા ગયા હતા? ઈશ્વરનો સંદેશવાહક? હા, હું તમને કહું છું કે તમે સંદેશવાહક કરતાં પણ એક મહાન માણસને જોયો. 27કારણ, યોહાન વિષે શાસ્ત્રમાં લખેલું છે, ‘ઈશ્વર કહે છે: તારી આગળ જઈને માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું.” 28ઈસુએ વધુમાં કહ્યું, “હું તમને કહું છું: પૃથ્વી પર જન્મેલા બધા માણસો કરતાં યોહાન મહાન છે; પણ ઈશ્વરના રાજમાં જે નાનામાં નાનો છે તે યોહાનના કરતાં પણ મહાન છે.”
29બધા લોકોએ અને નાકાદારોએ તેમનું સાંભળ્યું; તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા અને ઈશ્વર સાચો છે એવી કબૂલાત કરી. 30પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તો યોહાનથી બાપ્તિસ્મા લેવાની ના પાડી ને તેમના માટેના ઈશ્વરના હેતુનો ઇનકાર કર્યો.
31ઈસુએ વિશેષમાં કહ્યું, “આ જમાનાના લોકોને હું શાની સાથે સરખાવું? 32તેઓ તો ચોકમાં રમતાં બાળકો જેવા છે. એક ટુકડી બીજી ટુકડીને બૂમ પાડે છે: ‘અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ્યા નહિ, અમે મૃત્યુગીતો ગાયાં, પણ તમે રડયા નહિ!’ બાપ્તિસ્મા કરનાર યોહાન આવ્યો. 33તે ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષાસવ પીતો ન હતો, છતાં તમે કહ્યું, ‘તેને ભૂત વળગ્યું છે!’ 34માનવપુત્ર આવ્યો, અને તે ખાતો હતો અને પીતો હતો, તો તમે કહ્યું, “જુઓ, આ માણસ! તે ખાઉધરો તથા દારૂડિયો અને નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓનો મિત્ર છે! 35પણ ઈશ્વરનું જ્ઞાન તો તેને સ્વીકારનારાઓને સત્ય લાગે છે.”
સિમોન ફરોશીના ઘેર ઈસુ
36એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. ઈસુ તેને ઘેર ગયા અને જમવા બેઠા. 37એ શહેરમાં એક સ્ત્રી રહેતી હતી અને તેણે દુષ્ટ જીવન ગાળ્યું હતું. તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમે છે. તેથી તે અત્તર ભરેલી આરસપહાણની શીશી લાવી, 38અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી. તેનાં આંસુથી તેમના પગ પલળતા હતા. પછી તેણે પોતાના વાળ વડે તેમના પગ લૂછયા, પગને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડયું. 39એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.”
40ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.”
તેણે કહ્યું, “કહો, ગુરુજી!”
41ઈસુએ કહેવાનું શરૂ કર્યું, “એક નાણાં ધીરનારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું હતું, જ્યારે બીજાને પચાસ દીનારનું દેવું હતું. 42બેમાંથી કોઈ પૈસા ભરપાઈ કરી શકે તેમ ન હતો, તેથી તેણે બન્‍નેનું દેવું માફ કર્યું. તો એ બેમાંથી કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?”
43સિમોને જવાબ આપ્યો, “હું ધારું છું કે જેનું વધારે દેવું માફ થયું તે.”
44ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે.” પછી સ્ત્રી તરફ ફરતાં તેમણે સિમોનને કહ્યું, “તું આ સ્ત્રીને તો જુએ છે ને? હું તારા ઘરમાં આવ્યો, પણ તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નથી, પણ મારા પગ તેણે પોતાના આંસુથી ધોયા છે અને પોતાના વાળથી લૂછયા છે. 45તેં ચુંબન કરીને મારો સત્કાર કર્યો નથી, પણ હું આવ્યો છું ત્યારથી તે મારા પગ ચુમ્યા કરે છે. 46તેં મારા વાળમાં તેલ નાખ્યું નહિ, પણ તેણે મારા પગ પર અત્તર રેડયું છે, 47તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.”
48પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ કરાયાં છે.”
49ભોજન સમારંભના આમંત્રિતો પોતાના મનમાં કહેવા લાગ્યા, “આ વળી કોણ છે કે જે પાપ પણ માફ કરે છે?”
50પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસને લીધે તું ઊગરી ગઈ છે. શાંતિથી જા.”

Zvasarudzwa nguva ino

લૂક 7: GUJCL-BSI

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda