ઉત્પત્તિ 13

13
ઇબ્રામ અને લોત છૂટા પડયા
1અને ઇબ્રામ પોતાની પત્નીને લઈને સર્વ માલમિલકત સહિત મિસરમાંથી નેગેબ તરફ ગયો, અને લોત તેની સાથે ગયો. 2અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો. 3અને તે નેગેબથી આગળ ચાલતાં બેથેલ ગયો, એટેલે બેથેલ તથા આયની વચ્ચે જયાં પહેલવહેલાં તેનો તંબુ હતો [ત્યાં ગયો]. 4અને જે સ્થળે તેણે પહેલાં વેદી બાંધી હતી, ત્યાં સુધી તે ગયો; અને ત્યાં ઇબ્રામે યહોવાને નામે પ્રાર્થના કરી. 5અને ઇબ્રામની સાથે લોત ચાલતો હતો, તેને પણ ઘેટાં તથા ઢોર તથા તંબુ હતાં. 6અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે; કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે, તેઓ એકઠા રહી ન શકે. 7અને ઇબ્રામના ગોવાળીયાઓ તથા લોતના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઈ. અને તે વખતે કનાની તથા પરિઝી તે દેશમાં રહેતા હતા.
8અને ઇબ્રામે લોતને કહ્યું, “હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ. 9શું, તારી આગળ આળપ દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ.”
10ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો #ઉત. ૨:૧૦. યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો. 11ત્યારે લોતે પોતાને માટે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, ને લોત પૂર્વ તરફ ગયો; અને તેઓ એકબીજાથી જુદા થયા. 12ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોત તે પ્રદેશનાં નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો. 13પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા.
ઇબ્રામ હેબ્રોન તરફ જાય છે
14અને ઇબ્રામથી લોત જુદો થયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું, ‘તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ તરફ જો. 15કેમ કે #પ્રે.કૃ. ૭:૫. જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ. 16અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય. 17ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમ કે તે હું તને આપીશ.” 18ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી.

Qaqambisa

Yabelana

Kopa

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena