પ્રેષિતોનાં કાર્યો 1

1
પ્રસ્તાવના
1થિયોફિલ, ઈસુએ પોતાના સેવાકાર્યની શરૂઆત કરી તે સમયથી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા, 2ત્યાં સુધી તેમણે કરેલાં કાર્યો તથા તેમના શિક્ષણ વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું. તેમને લઈ લેવામાં આવ્યા તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેમણે પોતાના પસંદ કરેલા પ્રેષિતોને આદેશ આપ્યો. 3પોતાના મરણ બાદ પોતે જીવતા થયા છે એ અંગેના સચોટ પુરાવા તેમણે તેમને આપ્યા. તેમણે ચાલીસ દિવસ દરમિયાન તેમને ઘણીવાર દર્શન દઈને ઈશ્વરના રાજ સંબંધી જણાવ્યું. 4તેઓ એકત્ર થયા હતા#1:4 વૈકલ્પિક અનુવાદ: (૧) જ્યારે તે તેમની સાથે હતા ત્યારે... (૨) તે તેમની સાથે જમતા હતા ત્યારે... ત્યારે તેમણે તેમને આ આજ્ઞા આપી: “યરુશાલેમથી જતા નહિ, પણ મારા પિતાએ જે ભેટ આપવાનું વરદાન આપ્યું છે, અને જે વિષે મેં તમને કહ્યું છે, તે મળે ત્યાં સુધી તેની રાહ જોજો. 5યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું હતું, પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરાશે.”
ઈસુનું સ્વર્ગારોહણ
6પ્રેષિતો ઈસુ સાથે એકત્ર થયા હતા ત્યારે તેમણે તેમને પૂછયું, “પ્રભુ, તમે ઇઝરાયલના રાજ્યની પુન:સ્થાપના અત્યારે જ કરવાના છો?”
7ઈસુએ તેમને જવાબ આપ્યો, “સમય અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે; એ ક્યારે બનશે તે જાણવાનું ક્મ તમારું નથી. 8પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.” 9તે એ વાતો કહી રહ્યા તે પછી તેમણે ઈસુને આકાશમાં ઊંચકી લેવાતા જોયા, અને વાદળાના આવરણને લીધે તે દેખાતા બંધ થયા.
10તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા. એવામાં સફેદ પોશાક પહેરેલા બે પુરુષો એકાએક તેમની નજીક આવી ઊભા. 11તેમણે કહ્યું, “ઓ ગાલીલવાસીઓ, તમે ત્યાં ઊભા ઊભા આકાશ તરફ શા માટે તાકી રહ્યા છો? ઈસુ તમારી મયેથી આકાશમાં લઈ લેવાયા છે. એ જ ઈસુ જેમને તમે આકાશમાં જતા જોયા, તે તે જ રીતે પાછા આવશે.”
12પછી પ્રેષિતો ઓલિવ પર્વતથી યરુશાલેમ પાછા ગયા. એ પર્વત શહેરથી આશરે એક કિલોમીટર દૂર છે.#1:12 શાબ્દિક અનુવાદ: “વિશ્રામવારે ચાલવા માટે છૂટ અપાયેલ નિયત અંતર જેટલું દૂર.” 13તેઓ યરુશાલેમમાં પ્રવેશ્યા અને જ્યાં પિતર, યોહાન, યાકોબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો પુત્ર યાકોબ, સિમોન ધર્માવેશી અને યાકોબનો પુત્ર યહૂદા રહેતા હતા તે ઓરડા ઉપર ગયા. 14ત્યાં તેઓ, ઈસુનાં મા મિર્યામ, તેમના ભાઈઓ અને બીજી સ્ત્રીઓ સમૂહપ્રાર્થના કરવા વારંવાર એકત્ર થતાં હતાં.
યહૂદા ઈશ્કારિયોતના અનુગામીની વરણી
15થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું, 16“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી. 17યહૂદા આપણી સંગતમાં હતો, કારણ, આપણા સેવાકાર્યમાં તે ભાગીદાર હતો.
18“પોતાના દુષ્ટ કૃત્યના બદલામાં મળેલા પૈસાથી તેણે એક ખેતર ખરીધું. તે ઊંધે માથે પટક્યો, તેનું શરીર વચ્ચેથી ફાટી ગયું અને તેનાં બધાં આંતરડાં બહાર નીકળી પડયાં, અને એમ તે મરી ગયો. 19યરુશાલેમના બધા રહેવાસીઓએ એ વિષે સાંભળ્યું, અને તેથી તેમણે પોતાની ભાષામાં એ ખેતરનું નામ ‘આકેલદામા’ અર્થાત્ ‘લોહીનું ખેતર’ પાડયું. 20કારણ, ગીતશાસ્ત્રમાં લખેલું છે:
‘તેનું નિવાસસ્થાન ઉજ્જડ પડો,
તેમાં કોઈ ન રહો.’
વળી, આવું પણ લખેલું છે:
‘તેની સેવાનું સ્થાન બીજાને મળો.’
21તેથી પ્રભુ ઈસુના ફરીથી સજીવન થવા અંગે કોઈકે આપણી સાથે સાક્ષી તરીકે જોડાવું જોઈએ. 22પ્રભુ ઈસુ આપણી સાથે હતા તે બધા સમય દરમિયાન એટલે યોહાને બાપ્તિસ્મા આપવાની શરૂઆત કરી.#1:22 વૈકલ્પિક અનુવાદ: યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું ત્યારથી... ત્યારથી માંડીને ઈસુ આકાશમાં લઈ લેવાયા તે દિવસ સુધી આપણી સાથે જે હતા તેમનામાંથી એ વ્યક્તિ હોવી જોઈએ.”
23તેથી તેમણે બે વ્યક્તિનાં નામની દરખાસ્ત કરી: બાર્નાબાસ તરીકે ઓળખાતો યોસેફ (તે યુસ્તસ પણ કહેવાતો હતો), અને માથ્થીયસ. 24પછી તેમણે પ્રાર્થના કરી, 25“પ્રભુ, તમે સર્વ માણસોનાં હૃદયો પારખો છો. યહૂદા તો પોતાના સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકેની સેવાનું સ્થાન તજીને ગયો છે. ઓ પ્રભુ, એ સેવાના સ્થાન માટે આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે બતાવો.” 26પછી એ બે નામ માટે તેમણે ચિઠ્ઠીઓ નાખી. માથ્થીયસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ.

Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:

પ્રેષિતોનાં કાર્યો 1: GUJCL-BSI

Ìsàmì-sí

Pín

Daako

None

Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀