ઉત્પત્તિ 32
32
યાકૂબ એસાવને મળવા તૈયારી કરે છે
1અને યાકૂબ ચાલતો થયો, ને ઈશ્વરના દૂતો તેને સામા મળ્યા. 2અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો, “આ તો ઈશ્વરનું સૈન્ય છે.” અને તેણે તે જગાનું નામ માહનાઈમ પાડયું.
3અને યાકૂબે પોતાની આગળ સેઈર દેશ જે અદોમની ભૂમિ છે, ત્યાં તેના ભાઈ એસાવની પાસે સંદેશિયાઓને મોકલ્યા. 4અને તેણે તેઓને આજ્ઞા આપી, “મારા મુરબ્બી એસાવને તમે એમ કહેજો, ‘તારો સેવક યાકૂબ એમ કહે છે કે, મેં લાબાનને ત્યાં વાસો કર્યો, ને અત્યાર સુધી હું ત્યાં રહ્યો છું. 5અને મારી પાસે ઢોર તથા ગધેડાં તથા ઘેટાંબકરાં તથા દાસ તથા દાસીઓ છે. અને હું તારી નજરમાં કૃપા પામું, માટે મેં મારા મુરબ્બીને ખબર આપવાને માણસ મોકલ્યા છે.’” 6અને સંદેશિયાઓએ યાકૂબની પાસ પાછા આવીને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે જઈ આવ્યા, ને વળી તે તને મળવાને આવે છે, ને તેની સાથે ચારસો માણસ છે.” 7અને યાકૂબ બહુ બીધો, ને ગભરાયો; અને તેણે પોતાની સાથેના લોકોને તથા બકરાંને તથા ઢોરને તથા ઊંટોને જુદાં કરીને બે ટોળાં કર્યાં. 8અને તેણે કહ્યું, “જો એસાવ એક ટોળા પાસે આવીને તેને મારે, તો બાકી રહેલું ટોળું બચશે.” 9અને યાકૂબે કહ્યું, “ઓ યહોવા, મારા પિતા ઇબ્રાહિમના ઈશ્વર તથા મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાંની પાસે પાછો જા, ને હું તારું ભલું કરીશ. 10જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે. 11મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી એટલે એસાવના હાથથી બચાવજો; કેમ કે હું તેનાથી બીહું છું, રખેને તે આવીને મને તથા મારા દિકરાઓને તેઓની માઓ સહિત મારી નાખે. 12પણ તમે તો કહ્યું હતું કે ‘ખચીત હું તારું ભલું કરીશ, ને #ઉત. ૨૨:૧૭. સમુદ્રના કાંઠાની રેતી જે અતિ ઘણી હોવાથી ગણાય નહિ, તેના જેટલો હું તારો વંશ કરીશ.’” 13અને તેણે તે જ રાત્રે ત્યાં ઉતારો કર્યો; અને જે તેનું હતું તેમાંથી તેણે તેના ભાઈ એસાવને ભેટ આપવા માટે લીધું; 14એટલે બસો બકરી, તથા વીસ બકરા, ને બસો ઘેટી તથા વીસ ઘેટા, 15ત્રીસ દૂઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓના દશ વછેરા. 16એ સર્વનાં જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં. અને તેણે તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ પાર ઊતરો, ને ટોળાંની વચ્ચે અંતર રાખો.” 17અને તેણે પહેલાને એ આજ્ઞા આપી “મારો ભાઈ એસાવ તને મળે, ને તને પૂછે કે, ‘તું કોનો છે? અને કયાં જાય છે? અને આ જે તારી આગળ છે તે કોનાં છે?’ 18ત્યારે તું તેને જે કહેજે કે, ‘એ તારા દાસ યાકૂબનાં છે. અને એ અમારા મુરબ્બી એસાવને માટે મોકલેલી ભેટ છે અને જુઓ, તે પોતે પણ અમારી પાછળ છે.’” 19અને બીજાને તથા ત્રીજાને તથા જેઓ ટોળાંની પાછળ જતા હતા તે સર્વને તેણે આજ્ઞા આપીને કહ્યું, “જ્યારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો. 20અને તમે કહેજો, ‘વળી જો, તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’” કેમ કે તેણે કહ્યું, “જે ભેટ મારી આગળ જાય છે, તેથી હું તેનું મન ટાઢું પાડીશ, પછી તેનું મુખ જોઈશ. કદાચ તે મારો અંગીકાર કરશે.” 21અને ભેટ તેની આગળ પાર ગઈ. અને તેણે પોતે તે રાત્રે પોતાના સંઘમાં ઉતારો કર્યો.
પનીએલ મુકામે યાકૂબનું મલ્લયુદ્ધ
22અને રાત્રે તે ઊઠયો, ને તેની બે પત્નીઓ તથા તેની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરીઓને લઈને યાબ્બોકની પાર ઉતર્યો. 23અને તેણે તેઓને લઈને તેઓને નદીની પાર મોકલ્યાં. તથા જે સર્વ તનાં હતાં તેઓને પણ મોકલ્યાં. 24અને યાકૂબ એકલો રહી ગયો; અને અરુણોદય સુધી એક પુરષે તેની સાથે મલ્લયુદ્ધ કર્યું. 25અને જ્યારે પેલા પુરુષે જોયું કે તે યાકૂબને જીત્યો નહિ ત્યારે તે યાકૂબની જાંઘના સાંધાને અડકયો. અને તેની સાથે મલ્લયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો મોચાઈ ગયો. 26અને તે પુરુષ બોલ્યો, “અરુણોદય થાય છે, માટે મને જવા દે.” અને યાકોબે તેને કહ્યું, “મને આશીર્વાદ આપ, નહિ તો હું તને જવા દેવાનો નથી.” 27અને તે પુરુષે તેને કહ્યું, “તારું નામ શું?” અને તેણે કહ્યું, “યાકૂબ.” 28અને તે બોલ્યો, #ઉત. ૩૫:૧૦. “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ #૩૨:૨૮ઇસ્રાએલ:“દેવની સામે યુદ્ધ કરનાર, અથવા દેવ યુદ્ધ કરે છે.” ઇઝરાયલ કહેવાશે; કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં યુદ્ધ કર્યું છે, ને જય પામ્યો છે.” 29અને યાકૂબે તેને પૂછતા કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” અને તે પુરુષે તેને આશીર્વાદ આપ્યો. 30અને યાકૂબે તે જગાનું નામ #૩૨:૩૦પનીએલ:“દેવનો ચહેરો.” પનીએલ પાડયું; કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મોઢેમોઢ દીઠા છે, તોપણ મારો જીવ બચ્ચો છે.” 31અને પનીએલની પાર જતાં તેના પર સૂર્ય ઊગ્યો, ને તે જાંઘે લંગડાતો લંગડાતો ચાલ્યો. 32એ માટે ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધા પરનો સ્નાયુ ખાતા નથી; કેમ કે તે પુરુષ યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને અડકયો હતો.
Nke Ahọpụtara Ugbu A:
ઉત્પત્તિ 32: GUJOVBSI
Mee ka ọ bụrụ isi
Kesaa
Mapịa

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.