Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

યોહાન 7

7
ઈસુ અને તેમના ભાઈઓ
1એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા. 2યહૂદીઓનું માંડવાપર્વ#7:2 યહૂદીઓ વેરાન પ્રદેશમાં રહેતા હતા તેની યાદગીરીનું તેમ જ પાકને માટે ઈશ્વરનો આભાર માનવાનું આ પર્વ આઠ દિવસ ચાલતું. તે દિવસોમાં લોકો ડાળ-પાંદડાંઓના માંડવામાં રહેતા. નજીક હતું. 3તેથી ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, “આ સ્થળ મૂકીને યહૂદિયાના પ્રદેશમાં જા; જેથી જે અદ્‍ભુત કાર્યો તું કરે છે તે તેઓ જોઈ શકે. 4જે માણસ પ્રસિદ્ધિ ચાહે છે તે પોતાનાં કાર્યો છુપાવતો નથી. તું આ બધું કરે જ છે, તો આખી દુનિયા આગળ જાહેર થા!” 5તેમના ભાઈઓને પણ તેમનામાં વિશ્વાસ ન હતો.
6ઈસુએ તેમને કહ્યું, “મારો સમય હજી આવ્યો નથી; તમારે માટે તો ગમે તે સમય ઠીક છે. 7દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું. 8તમે પર્વમાં જાઓ; હું હમણાં પર્વમાં આવતો નથી; કારણ, મારો સમય હજી આવ્યો નથી.” 9આમ કહીને તે ગાલીલમાં જ રહ્યા.
માંડવાપર્વમાં ઈસુ
10ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પછી તે જાહેરમાં તો નહિ, પણ છૂપી રીતે પર્વમાં ગયા. 11યહૂદી અધિકારીઓ તેમને પર્વમાં શોધતા હતા, અને તે ક્યાં છે તે વિશે પૂછપરછ કરતા હતા.
12ટોળામાં તેમના સંબંધી ઘણી ગુસપુસ ચાલતી હતી. કેટલાએકે કહ્યું, “તે સારો માણસ છે.” જ્યારે બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો લોકોને ગેરમાર્ગે દોરે છે.” 13પરંતુ કોઈ તેને વિષે જાહેરમાં બોલતું નહિ, કારણ, તેઓ સૌ યહૂદી અધિકારીઓથી બીતા હતા.
14પર્વ ર્આું થવા આવ્યું હતું તેવામાં ઈસુ મંદિરમાં જઈને શીખવવા લાગ્યા. 15યહૂદી અધિકારીઓ ખૂબ આશ્ર્વર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા, “આ માણસ કદી ભણ્યો નથી છતાં એનામાં આવું જ્ઞાન આવ્યું ક્યાંથી?”
16ઈસુએ જવાબ આપ્યો, “હું જે શીખવું છું તે મારું શિક્ષણ નથી, પરંતુ મને મોકલનારનું છે. 17જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે. 18જે વ્યક્તિ પોતાના અધિકારથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ પોતાના મોકલનારને મહિમા આપનાર વ્યક્તિ પ્રામાણિક છે, અને તેનામાં કંઈ કપટ નથી. 19શું મોશેએ તમને નિયમશાસ્ત્ર આપ્યું ન હતું? પરંતુ તમારામાંનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે શા માટે મને મારી નાખવાની કોશિશ કરો છો?”
20લોકોએ કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?”
21ઈસુએ જવાબ આપ્યો, “મેં એક જ અદ્‍ભુત કાર્ય કર્યું અને તમે બધા અચંબામાં પડી ગયા. 22મોશેએ તમારા પુત્રોની સુન્‍નત#7:22 આ કરારનું ચિહ્ન હતું. કરવાની આજ્ઞા તમને આપી તેથી તમે વિશ્રામવારે સુન્‍નત કરો છો. જો કે એ વિધિ મોશેએ નહિ, પરંતુ તમારા પૂર્વજોએ શરૂ કર્યો હતો. 23જો મોશેનો નિયમ તૂટે નહિ તે માટે કોઈ છોકરાની સુન્‍નત વિશ્રામવારે કરી શકાય, તો પછી મેં એક માણસને વિશ્રામવારે સાજો કર્યો તેથી તમે શા માટે ગુસ્સે ભરાયા છો? 24બાહ્ય દેખાવ ઉપરથી નહિ, પણ સાચા ધોરણે ન્યાય કરો.”
25યરુશાલેમમાંના કેટલાએક લોકોએ કહ્યું, “જેને તેઓ મારી નાખવા માગે છે તે આ જ માણસ નથી? 26જુઓ તે તો છડેચોક બોલી રહ્યો છે અને છતાં કોઈ તેની વિરુદ્ધ બોલતું નથી! શું યહૂદી આગેવાનો તેને મસીહ તરીકે માને છે? 27મસીહ આવશે ત્યારે કોઈને ખબર પણ નહિ હોય કે તે ક્યાંનો છે; પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી આવ્યો છે.”
28ત્યારે મંદિરમાં બોધ કરતાં ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, “હું કોણ છું અને ક્યાંથી આવું છું તે શું તમે ખરેખર જાણો છો? પરંતુ હું મારી પોતાની જાતે આવ્યો નથી. મને મોકલનાર તો સાચા છે. તમે તેમને ઓળખતા નથી. 29હું તેમને ઓળખું છું, કારણ, હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.”
30પછી તેમણે તેમની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ; કારણ, હજી તેમનો સમય આવ્યો ન હતો. 31પરંતુ ટોળામાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું, “એમણે જે કાર્યો કર્યાં છે તેના કરતાં વધારે અદ્‍ભુત કાર્યો મસીહ આવશે ત્યારે કરી બતાવશે ખરા?”
ઈસુની ધરપકડનો પ્રયાસ
32ફરોશીઓએ લોકોના ટોળાને ઈસુ સંબંધી એવી ગુસપુસ કરતા સાંભળ્યું. તેથી તેમણે અને મુખ્ય યજ્ઞકારોએ ઈસુની ધરપકડ કરવા માટે મંદિરના સંરક્ષકોને મોકલ્યા. 33ઈસુએ કહ્યું, “હું તમારી સાથે થોડીવાર છું, અને ત્યાર પછી મને મોકલનાર પાસે પાછો જઉં છું.
34“તમે મને શોધશો પરંતુ હું તમને જડીશ નહિ, કારણ, જ્યાં હું જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”
35યહૂદી અધિકારીઓએ અંદરોઅંદર કહ્યું, “તે એવી તો કઈ જગ્યાએ જવાનો છે કે તે આપણને નહિ મળે? 36શું તે યહૂદીઓ રહે છે તેવા ગ્રીક શહેરોમાં જશે, અને ત્યાં ગ્રીક યહૂદીઓને શીખવશે? કારણ, તે કહે છે, ‘તમે મને શોધશો પરંતુ હું તમને મળીશ નહિ,’ અને ‘હું જ્યાં જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.’ એનો અર્થ શો?”
જીવનજળનાં ઝરણાં
37પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું,#7:37-38 નો વૈકલ્પિક અનુવાદ: “જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે અને જે મારા પર વિશ્વાસ કરે તે પીએ; એટલે, શા કહે છે તેમ, તેના અંતરમાંથી જીવનજળનાં ઝરણાં વહે છે.” “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ. 38શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવનજળનાં ઝરણાં વહેશે.”
39ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષમાં રાખીને તેમણે આ વાત કહી. તે સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો, કારણ, ઈસુ હજી મહિમાવંત કરાયા ન હતા.
લોકોમાં ભાગલા
40લોકોમાંના કેટલાકે તેમની એ વાત સાંભળીને કહ્યું, “આ તો ખરેખર ઈશ્વરના સંદેશવાહક છે!” 41બીજાઓએ કહ્યું, “એ તો મસીહ છે!”
પરંતુ કેટલાકે કહ્યું, “મસીહ કંઈ ગાલીલમાંથી આવવાના નથી. 42શાસ્ત્ર કહે છે કે મસીહ દાવિદના વંશજ હશે અને દાવિદના નગર બેથલેહેમમાંથી આવશે.” 43આમ, એમને વિષે લોકોમાં ભાગલા પડી ગયા. 44કેટલાક તેમને પકડવા માગતા હતા, પરંતુ કોઈએ તેમના પર હાથ નાખ્યા નહિ.
યહૂદી અધિકારીઓએ અવિશ્વાસ
45મંદિરના સંરક્ષકો, મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓ પાસે પાછા ગયા. તેમણે પૂછયું, “તેને કેમ પકડી લાવ્યા નહિ?”
46સંરક્ષકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી!”
47ફરોશીઓએ તેમને પૂછયું, “તેણે તમને પણ ભુલાવામાં નાખ્યા? 48શું કોઈ આગેવાને અથવા કોઈ ફરોશીએ તેના પર વિશ્વાસ મૂક્યો હોય એવું જાણ્યું છે? 49પરંતુ એ ટોળું મોશેનો નિયમ જાણતું નથી, તેથી તેઓ ઈશ્વરના શાપ નીચે છે!”
50અગાઉ ઈસુને મળવા જનાર નિકોદેમસ પણ તેમની સાથે હતો. તેણે તેમને કહ્યું, 51“કોઈ માણસને સાંભળ્યા વગર અને તેણે શું કર્યું છે તેની તપાસ કર્યા વિના આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે આપણે તેને સજાપાત્ર ઠરાવી શક્તા નથી.”
52તેમણે જવાબ આપ્યો, “ત્યારે તું પણ ગાલીલનો છે એમ ને? શાસ્ત્રનું અયયન કર તો તને સમજ પડશે કે ઈશ્વરનો સંદેશવાહક ગાલીલમાંથી પેદા થવાનો નથી.”

Nke Ahọpụtara Ugbu A:

યોહાન 7: GUJCL-BSI

Mee ka ọ bụrụ isi

Kesaa

Mapịa

None

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye