Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

માર્ક 11

11
યરુશાલેમમાં વિજયકૂચ
(માથ. 21:1-11; લૂક. 19:28-40; યોહા. 12:12-19)
1તેઓ યરુશાલેમની નજીક, એટલે ઓલિવ પર્વત પાસે આવેલા બેથફાગે અને બેથાનિયા ગામે આવી પહોંચ્યા. 2ઈસુએ પોતાના બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા: “તમે સામેના ગામમાં જાઓ; તેમાં પેસતાં જ તમને જેના પર હજુ કોઈએ સવારી કરી નથી તેવો વછેરો બાંધેલો મળશે. તેને છોડીને અહીં લાવો. 3જો કોઈ તમને પૂછે કે, ‘આને કેમ છોડો છો?’ તો તેને કહેજો કે પ્રભુને તેની જરૂર છે, અને થોડી જ વારમાં તેને અહીં પાછો મોકલી આપશે.”
4તેથી તેઓ ગયા અને શેરીમાં એક ઘરને બારણે તેમણે વછેરો જોયો. તેઓ તેને છોડતા હતા, 5ત્યારે પાસે ઊભેલાઓમાંના કોઈકે તેમને પૂછયું, “આ વછેરાને શા માટે છોડો છો?”
6ઈસુએ તેમને જેમ કહ્યું હતું તેમ જ તેમણે જવાબ આપ્યો. તેથી તેમણે તેમને જવા દીધા. 7તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યા, પોતાનાં વસ્ત્ર એ પ્રાણી પર નાખ્યાં એટલે ઈસુ તે પર સવાર થયા. 8ઘણા લોકોએ માર્ગમાં પોતાનાં વસ્ત્ર પાથર્યાં; જ્યારે બીજા કેટલાકે ખેતરોમાંથી ડાળીઓ કાપી લાવીને માર્ગમાં પાથરી. 9આગળ અને પાછળ ચાલતાં ચાલતાં લોકોએ પોકાર કર્યો, “હોસાન્‍ના! પ્રભુને નામે જે આવે છે તે ઈશ્વરથી આશીર્વાદિત હો! 10આપણા પિતૃ દાવિદના આવી રહેલા રાજ્યને ઈશ્વર આશિષ આપો. ઉચ્ચસ્થાનોમાં જય હો!”
11ઈસુ યરુશાલેમમાં દાખલ થઈ મંદિરમાં ગયા અને ચોતરફ નજર ફેરવી બધું જોયું. પણ મોડું થઈ ગયું હોવાથી તે પોતાના બાર શિષ્યો સાથે બેથાનિયા જતા રહ્યા.
નિષ્ફળ અંજીરી
(માથ. 21:18-19)
12બીજે દિવસે તેઓ બેથાનિયાથી પાછા ફરતા હતા, ત્યારે ઈસુને ભૂખ લાગી. 13તેમણે દૂર પાંદડાંથી છવાઈ ગયેલું અંજીરીનું વૃક્ષ જોયું અને કદાચ કંઈક મળે તે માટે તેઓ તેની પાસે ગયા, ત્યારે માત્ર પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ; કારણ, અંજીરની મોસમ ન હતી. 14ઈસુએ અંજીરીને કહ્યું, “હવે કોઈ તારા પરથી કદી ફળ ખાશે નહિ.” શિષ્યોએ એ સાંભળ્યું.
મંદિર કે બજાર!
(માથ. 21:12-17; લૂક. 19:45-48; યોહા. 2:13-22)
15તેઓ યરુશાલેમ આવ્યા એટલે ઈસુ મંદિરમાં ગયા અને બધા ખરીદનારા અને વેચનારાઓને બહાર કાઢી મૂકવા લાગ્યા. તેમણે શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળી નાખ્યાં, 16અને મંદિરમાંથી કંઈ લઈ જવા દીધું નહિ.
17પછી તેમણે લોકોને શીખવ્યું, “ધર્મશાસ્ત્રમાં લખેલું છે, ‘મારું ઘર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે!”
18મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ એ સાંભળ્યું, તેથી તેઓ ઈસુને મારી નાખવાનો લાગ શોધવા લાગ્યા. પણ તેઓ ઈસુથી ડરતા હતા; કારણ, જનસમુદાય તેમના ઉપદેશથી આશ્ર્વર્ય પામ્યો હતો.
19સાંજ પડતાં ઈસુ તથા તેમના શિષ્યો શહેર બહાર ચાલ્યા ગયા.
અંજીરી પરથી મળતો બોધ
(માથ. 21:20-22)
20બીજે દિવસે વહેલી સવારે રસ્તે જતાં તેમણે પેલી અંજીરી જોઈ. તે સમૂળગી સુકાઈ ગઈ હતી. 21જે બન્યું હતું તે પિતરને યાદ આવ્યું. તેણે ઈસુને કહ્યું, “ગુરુજી, જુઓ તો ખરા, તમે જેને શાપ આપેલો તે અંજીરી સુકાઈ ગઈ છે!”
22ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: 23જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં પડ!’ અને તમારા હૃદયમાં શંકા ન રાખતાં, તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે. 24તેથી હું તમને કહું છું: જ્યારે તમે પ્રાર્થનામાં કંઈક માગો તો તમને તે મળી ચૂકાયું છે એવો વિશ્વાસ રાખો; એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે. 25વળી, જ્યારે તમે પ્રાર્થના કરતા હો, ત્યારે તમારે કોઈની વિરુદ્ધ કંઈ હોય, તો તેને માફ કરો; જેથી તમારા આકાશમાંના પિતા પણ તમારા અપરાધ માફ કરશે. [26જો તમે બીજાઓને માફ નહિ કરો, તો તમારા આકાશમાંના પિતા પણ તમારા અપરાધ માફ નહિ કરે].”
ઈસુના અધિકાર અંગે પ્રશ્ર્ન
(માથ. 21:23-27; લૂક. 20:1-8)
27તેઓ યરુશાલેમ પાછા આવ્યા. ઈસુ મંદિરમાં ફરતા હતા ત્યારે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનો તેમની પાસે આવ્યા. 28તેમણે તેમને પૂછયું, “કયા અધિકારથી તમે આ બધાં કામો કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?”
29ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને એક પ્રશ્ર્ન પૂછીશ અને જો તમે મને તેનો જવાબ આપશો તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે તમને કહીશ. 30મને કહો, યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો? ઈશ્વર તરફથી કે માણસો તરફથી?”
31તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, “આપણે શું કહીએ? જો આપણે એમ જવાબ આપીએ કે ‘ઈશ્વરથી’, તો તે કહેશે, ‘તો પછી તમે યોહાન પર વિશ્વાસ કેમ ન કર્યો?’ 32પણ જો આપણે એમ કહીએ, ‘માણસોથી,’ તો આપણે લોકોથી ડરીએ છીએ.” કારણ, બધાને ખાતરી થઈ ચૂકી હતી કે યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો. 33તેથી તેમણે ઈસુને જવાબ આપ્યો, “અમને ખબર નથી.”
ઈસુએ તેમને કહ્યું, “તો પછી હું પણ કયા અધિકારથી આ કાર્યો કરું છું તે તમને નહિ જણાવું.”

Nke Ahọpụtara Ugbu A:

માર્ક 11: GUJCL-BSI

Mee ka ọ bụrụ isi

Kesaa

Mapịa

None

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye